ગુજરાતની ગણતરી સુખી સંપન્ન રાજ્યમાં થાય છે. ગુજરાતીઓ પણ સુખી સંપન્ન કહેવાય છે. ધંધો જેમના લોહીમાં વહે છે તેવા ગુજરાતીઓને ક્યારેય શેર માટીની ખોટ પડી નથી. દરેક ક્ષેત્રે ગુજરાતીઓનો ડંકો વાગે છે. ગુજરાત મોડલના આખા વિશ્વમાં વખાણ થાય છે. પરંતુ એક ક્ષેત્રે ગુજરાતીઓ અને ગુજરાત પાછળ રહી ગયુ. નોકરિયાત લોકોને પગાર આપવામાં ગુજરાત પાછળ રહી ગયું છે.
ગુજરાતમાં ભલે ગમે તેટલા ઉદ્યોગ ધંધા હોય, પરંતું ગુજરાતમાં સેલેરાઈડ કર્મચારીઓનું વેતન અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછું નીકળ્યુ. આ અમે નહિ, પરંતું એક રિપોર્ટ કહે છે.
તાજેતરમાં જાહેર કરાયેલા પિરીઓડિક લેબર ફોર્સ સરવે (PLFS) 2023-24 ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતનો રિપોર્ટ અત્યંત ચોંકાવનારો છે. ગુજરાતમાં સેલેરાઇડ કર્મચારીઓનું વેતન દેશના મોટા રાજ્યોની સરખામણી કરતા ઓછું છે. ગુજરાતમાં સૌથી ઓછું 17,503 રૂપિયા પ્રતિ માસ વેતન મળે છે. જે અન્ય રાજ્યોની સરખામણીમાં તો સાવ ઓછું છે. સાથે જ અહી કામના કલાકો પણ વધારે છે.
ગુજરાતના કામના કલાકોની વાત કરીએ તો, ગુજરાતીઓ અઠવાડિયામાં સરેરાશ 53 કલાક કામ કરે છે. જે અન્ય રાજ્યો કરતા વધારે છે. તો 30 ટકા લોકો એવા છે, જે 48 થી 60 કલાક કામ કરે છે. એટલું જ નહિ, ગુજરાતીઓને નોકરિયાત સ્થળ પર યોગ્ય લાભ પણ મળતા નથી. ગુજરાતમાં નિયમિત વેતન મેળવતા નોકરીયાત કર્મચારીમાં 42.2% લોકો પેઇડ લીવ, લેખિત જોબ-કોન્ટ્રાક્ટ અને સોશિયલ સિક્યોરીટના લાભ વિના નોકરી કરે છે. જે બહુ જ ખરાબ બાબત છે. કુલ 60% સેલેરાઇડ કર્મચારીઓ પીએફ-પેન્શન, ગ્રેજ્યુઇટી, હેલ્થ કેર અને મેટરનિટી બેનિફિટ વગર નોકરી કરે છે. ગુજરાતમાં આવા સેલેરાઇડ કર્મચારીઓ રાષ્ટ્રીય સરેરાશ 39.6% કરતાં પણ વધુ છે.