રાજકોટમાં ઉત્તરાયણનો તહેવાર ઘાતક બન્યો છે. દોરીથી 10 લોકોના ગાળા કપાયા છે. જ્યારે શહેરમાં 21 અકસ્માતની ઘટના બની છે. શહેરમાં અનેક જગ્યાએ અઘટીત બનાવો બનતા ઈમરજન્સી સેવા માટે 108 એમ્બ્યુલન્સ સતત દોડી રહી છે. સરકારે આ પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોને બાઈક પર બહાર ન નીકળવા અને જો બહાર નીકળ્યા જ હોય તો સ્પીડમાં બાઈક ન ચલાવવા અપીલ કરી છે.
રાજકોટ શહેરના મવડી ઓવરબ્રિજ પરથી પસાર થતા 22 વર્ષના મિહિર સોંડાગરના ગળામાં પતંગની દોરી આવતા તેનું ગળું કપાયું હતું અને સ્કૂટર પરથી ઢળી પડ્યો હતો. ગળામાંથી લોહી વહેતું જોતા લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. લોહી વધારે પડતું વહી જવાના કારણે યુવાનનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને યુવાનની હાલત હાલમાં ગંભીર છે. મકરસંક્રાંતિ આવતા આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે પણ આ કિસ્સામાં ગંભીર બાબત એ છે કે યુવાનનું લોહી વહી રહ્યું હતું અને તરફડિયા મારતો હતો પણ 16 મિનિટ સુધી લોકોએ ફોટો અને વીડિયો ઉતાર્યા કોઇએ એમ્બ્યુલન્સને જાણ કરી ન હતી. એક જાગૃત નાગરિક ત્યાં પહોંચ્યા એટલે તેમણે 108ને જાણ કરી હતી અને સાથે જ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
મવડી બ્રિજ પર બનેલી ઘટનામાં તપાસ કરતાં સમાજમાં ખરેખર જાગૃતિ કેટલી લાવવાની જરૂર છે તે પ્રકાશમાં આવ્યું છે. એક યુવાન લોહીથી લથબથ હાલતમાં તરફડિયા મારી રહ્યો છે તેવો 108ને ફોન આવ્યો હતો અને માત્ર છ મિનિટમાં એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. વ્યક્તિએ 11:26 મિનિટે ફોન લગાડ્યો હતો અને વિગતો આપતાં જ કાલાવડ રોડ પરની એમ્બ્યુલન્સને આ કેસ અપાયો હતો. 11:28 મિનિટે એમ્બ્યુલન્સ કાલાવડ રોડથી નીકળી અને 11:33 મિનિટે પહોંચી ગઈ. જોકે ત્યાં સુધીમાં ખાનગી વાહનમાં યુવાનને હોસ્પિટલ ખસેડી દેવાયો હતો. માત્ર 6 મિનિટમાં જ યુવાનને હોસ્પિટલ લઈ જવાયો એવું નજરમાં આવે તેથી હકીકત જાણવા માટે સીસીટીવીનો અભ્યાસ કરતા સામે આવ્યું હતું કે, યુવાન 11:10 મિનિટે પતંગની દોરીથી ઘવાયો હતો! યુવાન ઘવાઈને નીચે પડ્યો આમ છતાં ત્યાંથી પસાર થતા લોકોએ યુવાનનો માત્ર ફોટો પાડ્યો અને વીડિયો ઉતાર્યો. કોઇએ એમ્બ્યુલન્સ કે ડોક્ટરને બોલાવ્યા ન હતા. 16 મિનિટ બાદ એક જાગૃત નાગરિક સ્થળ પર પહોંચ્યા અને દૃશ્ય જોતા જ તેમણે 108ને જાણ કરી હતી. 11:26 વાગ્યે ફોન કર્યો હતો. 11:28 વાગ્યે એમ્બ્યુલન્સ સ્થળ પર જવા રવાના થઈ હતી. જોકે લોહી વધુ વહી જતાં 108ની પણ રાહ ન જોઈ અને જાગૃત નાગરિકોએ તેને 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. 11:33 મિનિટે એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. પણ દર્દી ત્યાં ન હોવાથી પરત ફરી હતી.
મિહિર પરેશભાઈ સોંડાગર નામનો 22 વર્ષનો યુવાન પોતાના પિતા સાથે ફેબ્રિકેશનની દુકાન ધરાવે છે અને સામાન લેવા ગયો હતો ત્યારે પરત ફરતી વેળાએ ઘટના બની છે. હાલ તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે. તેની હાલત વિશે હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું હતું કે, લોહી ખૂબ વહી ગયું હતું જો બે મિનિટ પણ મોડું થાત તો યુવાનનો જીવ બચી શક્યો ન હોત.