અમદાવાદ
રાજ્ય વેરા વિભાગે સ્ટેટ GST ઇન્સ્પેક્ટર વિપુલ પટેલ સામે ત્વરિત કાર્યવાહી કરતાં તેમને સરકારી સેવામાંથી ફરજ મોકૂફ કર્યા છે અને છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં તેમની કથિત સંડોવણી અંગે ખાતાકીય તપાસ શરૂ કરી છે. ૧૧ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ આવક વેરા અધિકારીની ખોટી ઓળખાણ આપીને દાહોદમાં નકલી દરોડા પાડવાના કાવતરા બદલ પોલીસે રાજ્ય વેરા નિરિક્ષક વિપુલ પટેલની ધરપકડ કરી હતી. તેઓની ધરપકડ બાદ સત્તાના દુરુપયોગની ગંભીર નોંધ લેતાં, રાજ્ય વેરા વિભાગે તાત્કાલિક અસરથી શ્રી પટેલને સસ્પેન્ડ કર્યા છે. આ ઉપરાંત વિશ્વાસઘાત અને સત્તાના દુરુપયોગ બદલ ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. ફરજ મોકૂફી દરમિયાન તેઓનું મુખ્ય મથક વેરાવળ ખાતે રહેશે.રાજ્ય વેરા વિભાગ તેના અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રામાણિકતા અને ઉત્તરદાયિત્વના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.