કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીએ ફરી અમદાવાદ આવશે. અમદાવાદમાં 23 જાન્યુઆરીએ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું ઉદ્ઘાટન થવાનું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં સંતો-મહંતો સહિતના મહાનુભાવો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. જો કે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આધ્યાત્મિક અને સેવા સંસ્થાન (HSSF) નૈતિક તથા સાંસ્કૃતિક પ્રશિક્ષણ પ્રકલ્પ (IMCTF) દ્વારા આગામી 23થી 26 જાન્યુઆરી 2025ના રોજ હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા ગ્રાઉન્ડમાં આયોજન થવાનું છે. આ મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાના કેન્દ્ર સ્થાને પારિવારિક અને માનવીય મૂલ્યોનું જતન મુખ્ય બાબત રાખવામાં આવ્યું છે. મેળામાં 200થી વઘુ ધાર્મિક અને સામાજિક સેવાકાર્ય સાથે સંકળાયેલી સંસ્થાઓ ભાગ લેશે અને તેમના સેવાકાર્ય પ્રદર્શિત કરશે. મેળામાં યજ્ઞશાળા હશે અને 4 દિવસમાં કુલ 7 જુદા- જુદા હવન કરવામાં આવશે. મેળામાં આદિવાસી વિસ્તારોની સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગામ હશે. પ્રદર્શન વિભાગમાં વિવિધ પ્રદર્શનો હશે જેમાં કુટુંબ પ્રબોધન, કૌટુંબિક મૂલ્યો, ગર્ભાધન સંસ્કાર, પુણ્યશ્લોક સહિત 3D એનિમેશન દ્વારા દર્શાવવામાં આવશે.
આ મેળામાં એક મંદિર પરિસર પણ બનાવવામાં આવશે જેમાંકેટલાક મુખ્ય મંદિરોના જીવંત દર્શન અને કેટલાક મંદિરોની પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવશે. મેળા દરમિયાન કળશ યાત્રા, યુવા બાઈક રેલી, કન્યા વંદન, આચાર્ય વંદન, માતૃ-પિતૃ વંદન, નારી સંમેલન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.