ગારિયાબંદ (છત્તીસગઢ)
છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં જવાનોએ 36 કલાકમાં 20 નક્સલીઓને ઠાર કર્યા છે. જેમાં 1 કરોડ રૂપિયાના ઈનામવાળી જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યો ગયો છે. તમામ મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. રવિવાર રાતથી આજ બપોર સુધી ગોળીબાર થઈ રહ્યો છે. કુલહાડી ઘાટ સ્થિત ભાલુ દિગ્ગી જંગલમાં 1000 જવાનોએ 60 નક્સલવાદીઓને ઘેરી લીધા છે. મામલો મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ એન્કાઉન્ટરમાં કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલોને એરલિફટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યો છે. આ પહેલા સોમવારે બે નક્સલીઓના મોતની માહિતી સામે આવી હતી. ગારિયાબંધ એસપી નિખિલ રખેચા, ઓડિશાના નુઆપાડા એસપી રાઘવેન્દ્ર ગુંડાલા, ઓડિશાના ડીઆઈજી નક્સલ ઓપરેશન અખિલેશ્વર સિંહ અને કોબરા કમાન્ડન્ટ ડીએસ કદ્વૈત તેનું મોનટરિંગ કરી રહ્યા છે.
છત્તીસગઢ અને ઓડિશા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 10 ટીમો એકસાથે નીકળી હતી. ઓડિશાની 3 ટીમો, છત્તીસગઢ પોલીસની 2 ટીમો અને CRPFની 5 ટીમો આ ઓપરેશનમાં સામેલ હતી. જવાનો વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર હતા ત્યારે નકસલવાદીઓએ તેમના પર હમલો કર્યો. એન્કાઉન્ટરની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મૈનપુર પહોંચી ગયા હતા. સુરક્ષાના કારણોસર ભાતીગઢ સ્ટેડિયમને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા હતા. તેમજ, 3 IED પણ મળી આવ્યા હતા. માત્ર 4 દિવસ પહેલા જ 18 નકસલવાદીઓ માર્યા ગયા હતા. 16 જાન્યુઆરીએ છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર એન્કાઉન્ટર થયું હતું. જેમાં 18 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આ પૈકી એસસીએમ (સેન્ટ્રલ કમિટી મેમ્બર) દામોદરનું પણ મોત થયું હતું. દામોદર પર 50 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ફોર્સે 12 નક્સલવાદીઓના મૃતદેહ મેળવ્યા છે, જેમાંથી 10ની ઓળખ કરી લેવામાં આવી છે. માર્યા ગયેલાઓમાં પાંચ મહિલા નક્સલવાદીઓ પણ સામેલ છે. તેના પર કુલ 59 લાખ રૂપિયાનું ઈનામ હતું. નક્સલી સંગઠનના લોકોએ જાતે જ 6 નક્સલીઓના મૃતદેહ લઈ ગયા હતા.