ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ સુશ્રી હિરલ પટેલ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

Spread the love

**
અમદાવાદ જિલ્લામાં ‘નલ સે જલ યોજના’માં વિશિષ્ટ કામગીરીની નોંધ લઇ ભારત સરકાર દ્વારા મહિલા સરપંચને વિશેષ આમંત્રિત કરાયાં
**

અમદાવાદ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ સુશ્રી હિરલબેન હિતેન્દ્રભાઇ પટેલને આગામી ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે દિલ્હી ખાતે યોજનાર સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું છે. જેના લીધે અમદાવાદ જિલ્લા સહિત ધોળકા તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી સાથે મહિલા સરપંચ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ સુશ્રી હિરલબેન હિતેન્દ્રભાઇ પટેલ ગ્રામ પંચાયતનો સુંદર વહીવટ કરી રહ્યાં છે. આ ગામમાં વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા હતી. આ સમસ્યાના નિવારણ માટે સરકારશ્રીની વાસ્મો અંતર્ગત ‘નલ સે જલ’ યોજનામાંથી ગ્રાન્ટ મંજૂર થતાં JJMમાં યોજના અંતર્ગત ગામમાં આશરે ૪૦૦૦ જેટલી પાઇપ લાઇન નાખી અને જેમાં સરપંચશ્રી દ્વારા જાતે જ સુપરવિઝનની કામગીરી કરી બે ઊંચી ટાંકી મંજૂર કરાવી.

આમ, છેવાડાનાં ઘરો સુધી પૂરતા પ્રેશરથી પાણી વિતરણ કરવા માટે કરવામાં આવેલી આ પહેલ દ્વારા છ વાલ્વના બે વિસ્તારમાં અલગ હેડર કરી, વાલ્વ સિસ્ટમથી ગામમાં એક સમાન ધોરણે પાણીનું વિતરણ કરવામાં આવે છે.

આ મહિલા સરપંચશ્રીએ પોતાની આગવી કોઠાસૂઝના પરિણામે સુંદર કામગીરી બજાવી, ગામના છેવાડાનાં ઘરો સુધી નળ દ્વારા દિવસ દરમ્યાન પાણી પહોંચાડવામાં સફળતા મેળવી છે. જે વિશિષ્ટ કામગીરીની નોંધ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે લઈ આ સુંદર કામગીરી બદલ મહિલા સરપંચને આગામી ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહમાં સ્પેશિયલ ગેસ્ટ વિઝિટર તરીકે ઉપસ્થિત રહેવા નિમંત્રણ મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમારોહમાં હાજર રહેવા ગુજરાત રાજ્યના માત્ર ચાર જિલ્લા-કચ્છ, અમદાવાદ, નવસારી અને સુરત જિલ્લાની મહિલા સરપંચોને જ આમંત્રણ મળ્યું છે, જેમાં ધોળકા તાલુકાનાં મહિલા સરપંચ હિરલબેનને પણ જલ શક્તિ અને રક્ષા મંત્રાલય દ્વારા દિલ્હી ખાતેથી આમંત્રણ મળ્યું છે.

આ મહિલા સરપંચશ્રી એ ગ્રામજનોને પીવાના પાણી માટે કરેલી કામગીરીની નોંધ છેક દિલ્હી સુધી લેવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર સરકારના જળ સંપત્તિ અને રક્ષા મંત્રાલય સહિત કેબિનેટ મંત્રી, પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, વાસ્મો-અમદાવાદનાં યુનિટ મેનેજર શ્રી રાજદેવ જે. બ્રહ્મભટ્ટ તથા જિલ્લા સંયોજક શ્રી ભીખાભાઇ એસ. રબારીનો ગ્રામજનો વતી આભાર માની આવનારા દિવસોમાં પણ આ યોજનાને વધુ ગતિશીલ બનાવવાની ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *