બેફામ આઇસર હંકારી અકસ્માત સર્જી વૃદ્ધનો જીવ લીધો:ચાલકને 15 મહિનાની કેદ,
કોર્ટે 5 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કરી આરોપીનું લાયસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ કર્યું
અમદાવાદ
અમદાવાદ શહેરના ઇન્ડિયા કોલોની વિસ્તારમાં વર્ષ 2022માં બેફામ આઇસર હંકારી અકસ્માત સર્જી વૃદ્ધનો જીવ લેનાર આરોપીને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સંદીપસિંહ.જી.ડોડીયાએ 15 મહિનાની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત ભોગ બનનારના પરિવારને 5 લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા નિર્દેષ આપી આરોપીનું લાયસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે આખોય કેસ પુરવાર થાય છે, આવા કિસ્સા વધી રહ્યાં છે ત્યારે આરોપી સામે દયા ન દાખવી શકાય.
શહેરના ઇન્ડિયા કોલોની વિસ્તારમાં રહેતા 64 વર્ષીય પરેશભાઇ બળદેવભાઇ મિસ્ત્રી 5 જૂન, 2022ના રોજ રાત્રે પોતાના ઘર પાસેથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે એક આઇસર ગાડીએ તેમને ટક્કર મારી હતી. જેથી, તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના દીકરા ચૈતન્યએ જી ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી, પોલીસે તપાસ કરી 32 વર્ષીય આઇસર ચાલક નારાણયલાલ મીણાને ઝડપી લીધો હતો. ત્યારબાદ તેની સામે ચાર્જશીટ કરતા કેસ મેટ્રો કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો.
જેમાં સરકારી વકીલ કે.એસ.ચૌધરીએ પૂરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, હાલ આવા અકસ્માતના કિસ્સા વધી રહ્યા છે. આરોપીની બેદરકારીને કારણે નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે. આરોપી સામે આખોય કેસ નિઃશંકપણે પુરવાર થાય છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સજા કરવી જોઇએ. જ્યારે આરોપી તરફે ઓછી સજા કરવા રજૂઆત કરી હતી. બંને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીને 15 મહિના કેદની સજા ફટકારી છે.