ACBએ લાંચિયા પોલીસકર્મી માટે છટકું ગોઠવ્યું,
દારૂ સાથે પકડાયેલા વ્યક્તિએ કેસ ન કરવા પોલીસકર્મીએ 70 હજારમાં સેટલમેન્ટ કર્યું, માણસને બાકી પૈસા લેવા મોકલતા ACBએ રંગે હાથે ઝડપ્યો
અમદાવાદ
અમદાવાદમાં દારૂ સાથે પકડાયેલા એક વ્યક્તિ સામે કેસ ન કરવા માટે પોલીસ કર્મચારી અને એક ખાનગી માણસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ બાબતે આખરે 70,000માં સેટલમેન્ટ થયું હતું, જેના 20,000 રૂપિયા તે સમયે લઈ લીધા હતા અને બાકીના 50,000 રૂપિયા લેવા માટે ખાનગી માણસ ગયો ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ તેને ઝડપી લીધો છે. આ કામમાં એક પોલીસ કર્મચારીની સંડોવણી પણ સામે આવવાથી તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે ACB દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં દારૂની ત્રણ બોટલ સાથે એક વ્યક્તિ ઝડપાયો હતો, જેને નારોલ પોલીસ સ્ટેશન હદમાં આવેલા કર્ણાવતી ચોકીમાં ફરજ બજાવતા બીપીનભાઈ અને એક ખાનગી માણસ બાલકૃષ્ણ શર્માએ આ સંદર્ભે કે દાખલ ન કરવા અને વાહન જપ્ત ન કરવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે સંદર્ભે 5 લાખના બદલામાં 70 હજાર રૂપિયા આપીને કે સેટલમેન્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ₹20,000 તે સમયે રોકડા લીધા હતા જ્યારે બાકીના 50,000 લેવા માટે આરોપી પાસે ખાનગી માણસ ગયો હતો. જે અંગેની જાણ એન્ટીકરપ્શન બ્યુરોને થતા તેને લાંચના 50,000 લેતા રંગે હાથે ઝડપી લીધો છે જ્યારે આ કેસમાં પોલીસ કર્મચારી વોન્ટેડ હોવાથી હવે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.