પોલીસ માટે ફરાર MLA મહાકુંભમાં પાપ ધોવા પહોંચી ગયો, ડ્રાઈવરે વીડિયો પોસ્ટ કરતાં ફૂટ્યો ભાંડો..!
ગાંધીનગર
ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મના ગુનામાં ફરાર ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ગાંધીનગર પોલીસ હજુસુધી પકડી શકી નથી અને તેનો કોઇ પત્તો મળતો ન હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેના પિતરાઈ ભાઈ સાથે કુંભ સ્નાન માટે પ્રયાગરાજમાં ગયો હોવાનો વીડિયો તેના ડ્રાઇવર તરીકે કામ કરતા વ્યક્તિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. જો કે બાદમાં તે વીડિયોને હટાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહી ગજેન્દ્રસિંહ પરમાર સાથે તેનો કમાન્ડો પણ વીડિયોમાં જોવા મળ્યો હતો. ત્યારે ફરીથી ગાંધીનગર પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે. ગાંધીનગર સેક્ટર-21માં આવેલા સદસ્ય નિવાસમાં એક મહિલા સાથે દુષ્કર્મના કેસમાં પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર છેલ્લા 100થી વધુ દિવસોથી ફરાર છે અને ગાંધીનગર પોલીસ દ્વારા દાવા કરવામાં આવી રહ્યો છે કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહનો કોઈ પત્તો લાગતો નથી. જેથી પકડવામાં સફળતા મળતી નથી. વીડિયોમાં શું દેખાયું?.. ત્યારે રાજકીય દબાણ હેઠળ પોલીસ માટે સતત ફરાર ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પ્રયાગરાજમાં કુંભ મેળામાં ગયો હોવાનો વીડિયો ખુદ તેના ડ્રાઇવર મુકેશસિંહ પરમાર દ્વારા તેના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરાયો હતો. ગજેન્દ્રસિંહ પરમારનો જન્મદિવસ હોવાથી પોસ્ટમાં શુભેચ્છા પણ આપવામાં આવી હતી. આ વીડિયોમાં ગજેન્દ્રસિંહનો પિતરાઈ ભાઈ વિરેન્દ્રસિંહ અને તેનો કમાન્ડો ભાથી લાલજી દેસાઇ એક સાધુ જેવા વ્યક્તિ સાથે દેખાતો હતો.