અમદાવાદ
આજ રોજ 76 માં પ્રજાસત્તાક દિવસ ઉજવણીનાં શહેર લેવલનાં કાર્યક્રમમાં અમદાવાદ શહેરને સ્વચ્છત્તમ બનાવવાની ઝુંબેશનાં ભાગરૂપે આયોજિત કરેલ “ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ સ્પર્ધા” માં વિજેતા સોસાયટીઓ અને શહેરનાં સૌથી બેસ્ટ બોડકદેવ વોર્ડ અને સફાઈની ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં સેનેટરી સ્ટાફને પુરસ્કાર વિતરણ કરી બિરદાવવામાં આવ્યા.76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેનો શહેર કક્ષાનો કાર્યક્રમ આકાશ મેટ્રો ચાર રસ્તા, ઉમીયધામ પાસે, લાંભા વોર્ડ, દક્ષિણ ઝોન ખાતે મેયર પ્રતિભાબેન રાકેશકુમાર જૈનનાં અધ્યક્ષ સ્થાને તથા ડેપ્યુટી મેયર જતીન પટેલ, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી દેવાંગભાઈ દાણી, દંડક શ્રીમતી શીતલ આનંદકુમાર ડાગા અને મ્યુનિ. શાસક પક્ષ નેતા ગૌરાંગ પ્રજાપતિ અને ચેરમેન હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી જસુભાઇ ચૌહાણ તથા ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ સહિત વિવિધ વોર્ડના કાઉન્સીલરશ્રીઓ તથા માન. મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નરાસન તથા અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં હાજર રહેલા નાગરિકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો.જેમાં શહેરની સફાઈ અને સેનીટેશન સહિતની વિવિધ કામગીરીઓ અંગે યોજવામાં આવેલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ સોસાયટી – વોર્ડ અને કર્મચારીઓને પણ પુરસ્કાર – ઈનામ એનાયત કરવામાં આવેલની વિગતો નીચે મુજબ છે.
સ્વચ્છ સર્વેક્ષણ – 2024 અને ‘માય સિટી માય પ્રાઈડ* અભિયાન હેઠળ અમદાવાદ શહેરનાં રહેણાંક વસાહતો – સોસાયટીઓ – ફ્લેટો – હાઈરાઇઝડ બિલ્ડીંગોમાં સ્વચ્છતા બાબતે જાગૃતતા કેળવાય, ઘરે-ઘરે કચરાને સૂકા અને ભીના મુજબ અલગ-અલગ કરીને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનમાં આપવામાં આવે તથા પર્યાવરણને બચાવવા અંગેના પગલાઓ લેવા માટે પ્રોત્સાહિત કરવાનાં ભાગરૂપે (૧) પ્રિમાઈસની ઓવરઓલ સફાઈ (૨) ઘરે – ઘરેથી કચરાનું કલેક્શન પ્રાયવેટ સફાઈ કામદાર / રહીશો દ્વારા (3) મોટા ડસ્ટબીનમાં કચરાનું સોસાયટી પ્રિમાઈસમાં જ એકત્રીકરણ (૪) દરેક ઘરે સૂકો અને ભીનાં માટેના બે ડસ્ટબીન ઉપયોગમાં લેવાતાં હોય (૫)અ.મ્યુ.કો.ના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાહનમાં જ ઘરે – ઘરેથી સૂકો અને ભીનો કચરો અલગ-અલગ આપવામાં આવે (૬) રહીશો દ્વારા એઠવાડ – ડેબ્રીજ કે અન્ય કચરો જાહેર રસ્તા કે ફૂટપાથ પર નાખવામાં ન આવતો હોય (૭) પ્રિમાઈસમાં ઓનસાઇટ કચરાનું પ્રોસેસીંગ (૮) સોસાયટીનાં રહીશો દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક ઉપયોગ ન કરવામાં આવતો હોય (૯) શહેરને સ્વચ્છ રાખવાના વિવિધ જાણ-જાગૃતિ કાર્યક્રમો અને ફીડબેકમાં સોસાયટીની ભાગીદારી (૧૦) સોસાયટીનાં રહીશો દ્વારા કચરો રીડ્યુસ, રીયુઝ, રીસાયકલ કરવા માટે 3R પ્રિન્સીપાલ અમલ કરેલ હોય (૧૧) પ્રિમાઈસમાં પાણીના વપરાશમાં ઘટાડો – બચત અને કોઈ લીકેજ ન હોય પાણીનો વપરાશ ઘટાડવા મીટર લગાવેલા હોય (૧૨) પ્રિમાઈસમાં કરવામાં આવેલ ગ્રીન બેલ્ટ – પ્લાંટેશન અને (૧૩) સોસાયટીનાં એકમોમાં કે કોમન સોલાર રૂફટોપ લગાવેલ હોય તેની ટકાવારી મુજબનાં પેરામીટર્સનાં આધારે શહેરમાં આવેલ રહેણાક વસાહતો – સોસાયટીઓ-ફ્લેટો -હાઈરાઇઝડ બિલ્ડીંગો માટે સ્વચ્છ સર્વેક્ષણ – 2024 અભિયાન હેઠળ શહેરનાં 7 ઝોનના 48 વોર્ડમાં આવેલ સોસાયટીઓની “ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં 6100 થી વધારે જેટલી સોસાયટીઓએ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ.જે અન્વયે માન્ય થયેલ કમિટીઓ દ્વારા નિયત પેરામીટર્સ અનુસાર ચકાસણી કરી વોર્ડ લેવલે 04 કેટેગરીઓમાં કેટેગરીવાઇઝ નીચે મુજબથી વિજેતા સોસાયટીઓ નક્કી કરવામાં આવેલ છે.
(1) ટેનામેન્ટ – બંગ્લોઝની કુલ 137 સોસાયટીઓ
(2) 100 ઘરો સુધીની એપાર્ટમેંટ / ફ્લેટ / હાઈરાઈઝની કુલ 128 સોસાયટીઓ
(3) 100 થી વધારે ઘરોની કુલ 109 સોસાયટીઓ
(4) કુલ 77 જેવા ગામતળ – વાસ -લત્તા
આમ, કુલ 451 રહેણાંક વસાહતોને વોર્ડ લેવલે પ્રથમ 03 ક્રમાંક આપવામાં આવેલ છે. તેમજ 07 ઝોનમાં ઝોન લેવલે ઝોનવાઇઝ માન્ય થયેલ કમિટીઓ દ્વારા પ્રથમ 03 ક્રમની સોસાયટીઓ બાબતે એસેસમેન્ટ કરી કુલ 82 સોસાયટીઓને વિજેતા તરીકે નક્કી કરવામાં આવેલ.
૦૭ ઝોનમાંથી આવેલ ઝોનલ લેવલની 82 સોસાયટીઓ પૈકી શહેર લેવલે 04 કેટેગરીઓ માટે કેટેગરીવાઇઝ એક થી ત્રણ ક્રમાંક માટે નિયત કમિટી દ્વારા ચેકીંગ કરીને મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં નક્કી કરવામાં આવેલ કુલ 12 સોસાયટીઓ પૈકી શહેર કક્ષાએ નિયત કરેલ તમામ 4 કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે ટેનામેન્ટ – બંગલોની પહેલી કેટેગરીમાં ઉત્તર ઝોનનાં ઈન્ડીયા કોલોની વોર્ડની શક્તિધારા સોસાયટી, 100 સુધીના ઘરો ધરાવતા ફ્લેટ, હાઈરાઇઝ વસાહતોની બીજી કેટેગરીમાં ઉત્તરપશ્વિમ ઝોનનાં ગોતા વોર્ડની વેસ્ટ અર્બના સોસાયટી, 100 થી વધારે ઘરોવાળા ફ્લેટ, હાઈરાઇઝ વસાહતોની સોસાયટીઓની ત્રીજી કેટેગરીમાં દક્ષિણપશ્વિમ ઝોનનાં સરખેજ વોર્ડની રોયલ ઓર્કિડ સોસાયટી અને આજ મુજબ ગામતળ, પોળની ચોથી કેટેગરીમાં મધ્ય ઝોનનાં ખાડીયા વોર્ડની લક્ષ્મીનારાયણની પોળ વિજેતા થયેલ છે.
શહેર લેવલે પ્રથમ ક્રમે રહેલ ઉપરોક્ત 04 સોસાયટીઓના ચેરમેન / સેક્રેટરીશ્રીને આજ રોજનાં પ્રજાસત્તાક ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષશ્રી અને મહાનુભાવોના વરદહસ્તે સોસાયટીઓમાં વિકાસનાં કાર્ય સારૂં રૂા.૭.૦૦ લાખનું બજેટ પુરસ્કાર સ્વરૂપે એનાયત કરવામાં આવેલ છે. જેનો ઉપયોગ સરકારશ્રી/મ્યુનિસિપલ કોર્પોરશની જુદી-જુદી સોસાયટી ડેવલોપમેન્ટ યોજનાઓની કામગીરીઓમાં મેચીંગ ગ્રાન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવશે.
સ્વચ્છ ભારત મિશન ૨.૦ હેઠળ અમદાવાદને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની નેમ સાથે શહેરનાં 07 ઝોનનાં 48 વોર્ડમાં નાગરીકોને પૂરી પાડવામાં આવતી સફાઈની વ્યવસ્થા, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન સિસ્ટમ, વોર્ડમાં રસ્તાઓ – ફૂટપાથ – ડ્રેનેજ – કેચપીટ જેવી સુવિધાઓ, ગ્રીન પ્લાન્ટેશન કવર, સર્કલ, બ્યુટીફીકેશન વગેરે જેવી બાબતોનાં આધારે ચકાસણી કરી ઝોન લેવલનાં 07 અને શહેર લેવલનાં 01 બેસ્ટ વોર્ડ નક્કી કરવા અંગેની “સ્વચ્છ અને સુંદર વોર્ડ સ્પર્ધા” પણ યોજવામાં આવેલ હતી.જેમાં નાગરીકોને મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ સેવાઓની સૌથી સારી સુવિધાઓ પૂરી પાડવા અંગે કરેલ કામગીરી બાબતે ઉચ્ચ અધિકારીઓની બનેલ કમિટી દ્વારા કરવામાં આવેલ એસેસમેન્ટનાં આધારે ઉત્તરપશ્વિમ ઝોનનાં બોડકદેવ વોર્ડની શહેર લેવલનાં બેસ્ટ વોર્ડ તરીકે પસંદગી કરવામાં આવેલ છે. જે સારું બોડકદેવ વોર્ડને વધારાના બજેટ તરીકે રૂપીયા 50.00 લાખનો પુરસ્કાર મેળવેલ છે. આ બજેટ વોર્ડમાં નાગરીકોની સુવિધાઓ પૂરી પાડવાનાં વિકાસનાં કામો સારું ફાળવવામાં આવશે.સાથે-સાથે શહેરનાં ૦૭ ઝોનમાં ઝોનલ કક્ષાના ૦૭ બેસ્ટ વોર્ડ પણ નક્કી કરવામાં આવેલ છે જેઓને પણ રૂપીયા ૨૫.૦૦ લાખની પુરસ્કાર રકમ વોર્ડનાં વિકાસનાં કામો સારું ફાળવવામાં આવશે.સ્વચ્છ સોસાયટીઓ અને વોર્ડને પુરસ્કૃત કરવાની સાથે-સાથે અ.મ્યુ.કો.નાં કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ સ્વચ્છતા જાળવણી બાબતે સ્પર્ધાત્મક તુલનાં થઈ પ્રોત્સાહન મળી રહે તે હેતુસર શહેરને સ્વચ્છ રાખવામાં સફાઈની કામગીરી સાથે જોડાયેલા અને શહેર લેવલે આદર્શ સફાઈ અને તેની જાળવણી અંગેની અવિરતપણે અને ખંતથી કામગીરી કરતાં 07 ઝોનમાંથી વિજેતા થયેલા 35 સફાઈ કામદારો, 4 મુકાદમો અને 21 સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા 14 સેનેટરી સબ ઇન્સ્પેકટર તેમજ 14 જેટલા પબ્લીક હેલ્થ સુપરવાઇઝર કક્ષાના સ્ટાફ સહિત કુલ 88 જેટલા ઉત્કૃષ્ઠ કામગીરી કરતાં કર્મચારીઓ પૈકી સમગ્ર સેનિટેશન વિભાગનાં તમામ સ્ટાફની શ્રેષ્ઠ કામગીરીનાં પ્રતિકાત્મકરૂપે બેસ્ટ સફાઈ કામદાર તરીકે મધ્ય ઝોનનાં અસારવા વોર્ડના શ્રી માણેકબેન મનોજભાઇ વાઘેલા તથા દક્ષિણપશ્ચિમ ઝોનનાં જોધપુર વોર્ડનાં શ્રી પદમાબેન ધનજીભાઇ સોલંકી તેમજ બેસ્ટ સેનેટરી સ્ટાફ માટે દક્ષિણ ઝોનનાં વટવા વોર્ડનાં સેનેટરી સબ ઈન્સ્પેકટર શ્રી વિક્રમસિંહ ઉમટ, પૂર્વ ઝોન અમરાઈવાડી વોર્ડનાં સેનેટરી ઈન્સ્પેકટર શ્રી જગદીશકુમાર ચાવડા અને વોર્ડની ઓવરઓલ સફાઈ અને સેનીટેશન કામગીરીનાં અસરકારક સુપરવિઝન માટે પશ્વિમ ઝોનનાં નવરંગપુરા વોર્ડનાં પબ્લીક હેલ્થ સુપરવાઇઝર શ્રી કમલકિશોર પરમારને પણ આજ રોજ સન્માનીત કરવા પુરસ્કૃત કરવામાં આવેલ છે.
આમ, શહેરની સ્વચ્છતા સુદઢ બનાવવાનાં હેતુસર નાગરીકોની સક્રિય ભાગીદારી મેળવવાનાં ભાગરૂપે કરવામાં આવેલ ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ સ્પર્ધા વિજેતા 615 જેટલી સોસાયટીઓને પુરસ્કાર સ્વરૂપે 5.02 કરોડ જેટલી રકમ સ્પેશિયલ બજેટ તરીકે સોસાયટીનાં ડેવલોપમેન્ટ માટેની મેચીંગ ગ્રાન્ટ તરીકે ફાળવવામાં આવશે. આજ રીતે સ્વચ્છ અને સુંદર વોર્ડ સ્પર્ધા હેઠળ 1 શહેર લેવાલનાં બેસ્ટ વોર્ડ માટે અને 7 ઝોન લેવલનાં બેસ્ટ વોર્ડ માટે 2.25 કરોડ જેટલી રકમ સ્પેશિયલ બજેટ તરીકે ફાળવાશે. આમ, સોસાયટીઓ અને વોર્ડનાં વિકાસનાં કામોને વધુ અગ્રેસર કરવા 10 કરોડથી વધારે રકમ વાપરવામાં આવશે.