જબલપુર,
મધ્યપ્રદેશના જબલપુર પાસે એક ગમખ્વાર અકસ્માતમાં અરવલ્લી જિલ્લાના વતની એક પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ પરિવાર પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં દર્શન કરવા માટે જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, અરવલ્લીના વતની અને પુનામાં રહેતો આ પરિવાર ધનસુરા થઈને પ્રયાગરાજ તરફ ઈનોવા કારમાં જઈ રહ્યો હતો. જબલપુર પાસે તેમની કાર ડિવાઈડર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો ધનસુરાના લાલુકંપાના રહેવાસી હતા અને મહાકુંભમાં દર્શન કરવા માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.