કચ્છ/ભુજ
‘દુનિયામાં એને શોધ, ઇતિહાસમાં ન જો, ફરતાં રહે છે કંઈક પચંબર કહ્યા વિના’ મરીઝના આ શેરની મહાનતા સમજવી હોય તો તમને કચ્છમાં ઠેર ઠેર જોવા મળશે. 2001 એક એવું વર્ષ હતું કે, જેણે કચ્છની દિશા અને દશા હંમેશાં માટે બદલાવી હતી. જયારે સમગ્ર દેશ 21મી સદીનો પ્રથમ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે જ કચ્છની ધરા ધ્રુજી (Kutch Earthquake 2001) ઉઠી હતી. લોકોના ઘર, દફ્તર, સરકારી ઈમારતો ધરાશાયી થયા હતા અને થોડી જ ક્ષણોમાં લાખો લોકો બેધર થઈ ગયા હતા. ભૂકંપના એ દર્દનાક દૃશ્ય આજે પણ લોકોના અંતરમનમાં એક ખૂણે દબાયેલા છે. સિમેન્ટ અને પથ્થરના કાટમાળમાં લોકો પોતાના પરિવારજનોને શોધતા હતા ત્યારે અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો અનેકના મૃતદેહ પણ મળી શક્યા ન હતા. આજે આ ઘટનાને 24 વર્ષ વીતી ગયા છે. જે સમયે ભૂકંપ આવ્યો બરાબર તે જ સમયે ઊંચી ઊંચી ઇમારતો પળવારમાં ખળભળી ગઈ હતી. જમીનદોસ્ત થઈ ગઈ હતી. પડું પડું થઈ રહેલી ઇમારતોમાંથી હેમખેમ બહાર આવવા માટે લોકો હવાતિયાં મારી રહ્યા હતા. રસ્તા, રસ્તા મટીને કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. માત્ર બે મિનિટ ચાલેલા ભૂકંપે કચ્છને કાટમાળમાં ફેરવી દીધું હતું. મંદિર હોય કે મસ્જિદ ભૂકંપે કોઈ ભેદ પાડ્યો જ નહોતો. ઘર ભાંગી ગયા હતા અને લોકો ખુલ્લી જગ્યાએ દોડી ગયા હતા. આ બાદ, કોઈ પોતાના હાથમાં, તો કોઈ હાથગાડીમાં મૃતદેહો સ્મશાને પહોંચાડી રહ્યા હતા. સ્મશાનોમાં મૃતદેહોનું અંતિમસંસ્કાર કરવા ચિત્તાઓ ઓછી પડી રહી હતી. જયારે કબ્રસ્તાનોની જમીન પણ ટૂંકી પડી રહી હતી.
ભૂકંપના દૃશ્યો આજે પણ લોકોના હૈયે ચીતરાયેલા છે. કચ્છની કોઈ પણ ગલીમાં એક પણ એવું ઘર નહીં હોય જે ભૂકંપના આઘાતને ખાળી શક્યું હોય. ભુજના ધનસુખભાઈ ધોળકિયાની ઉંમર 87 વર્ષ છે. પિતા અને પુત્રના માત્ર બે જણાના સંસારમાં ભૂકંપે તેમનો એકમાત્ર જુવાનજોધ પુત્ર હિતેન ગુમાવ્યો. ભૂકંપે તેમના કાળજાના કટકાને છીનવી લીધો તેની કરચ આજે પણ તેમના હૈયાને હલબલાવી દે છે. જણાવી દઈએ કે, આ ભૂકંપના કારણે 10 હજારથી વધારે લોકોનો જીવ લીધો હતો અને લાખોની સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. ભૂકંપમાં ઘરપરિવાર ગુમાવનારા માટે આજે પણ એ ઘટના એવી છે જાણે કાલે જ બની હોય. ભૂકંપે ભલે કચ્છીઓને હલબલાવી દીધા હોય, પણ એ કપરા સંજોગોએ તેમની માનવતાને વધુ ઉજ્જવળ કરી છે. ભૂકંપના સત્તર વર્ષ પછી એ વધુ સારી રીતે સમજાય છે. ભૂકંપની અસર એવી હતી કે, ગુજરાતના નકશા પર કચ્છને શોધવું અઘરું પડે. કોઈનું ઘર ભોં ભેગું થયું તો કોઈનો પરિવાર નામશેષ થઈ ગયો હતો. 24 વર્ષ પછી તેમની જિદગી કઈ રીતે પાટે ચઢી છે તે જાણવું – સમજવું અગત્યું બની જાય છે. આજે ભૂકંપને 24 વર્ષ વીત્યા બાદ પણ કચ્છના લોકો તે દિવસને ભૂલી શક્યા નથી. ભૂકંપની વાત આવતા આજે પણ કઠણ મનના માનવીનું કાળજું કંપી ઉઠે છે. જેમ ગ્રીક પૌરાણિક કથા મુજબ ફિનિક્સ પક્ષી પુન: જીવિત થાય તેમ કચ્છ માટી અને સિમેન્ટના કાટમાળમાં આજે ઊભું થઈ વિશ્વ ફલક પર પહોંચ્યું છે. 28 ઓગસ્ટ 2022ના કચ્છના ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 2001ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્છને ધમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના સન્માનમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂકંપ બાદના બે દાયકાની વાત કરતા કચ્છના તે સમયના સિવિલ સર્જન ડૉ. જ્ઞાનેશ્વર રાવે યાદ કર્યું હતું કે, “ભૂકંપના કારણે ભુજની જનરલ હોસ્પિટલ પણ ધરાશાયી હતી. દરેક મિનિટે દર્દીઓની સંખ્યા વધી રહી હતી, પણ સારવાર માટે અતિ આવશ્યક એવું દવાખાનું જ બચ્યું ન હતું. તે એવો સમય હતો કે, વિચારતા પણ ડર લાગે કે કઈ રીતે આ આપત્તિમાં તંત્ર દ્વારા વ્યવસ્થા પૂરી પડાઈ હશે. પણ કલાકોની અંદર જ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ટેન્ટમાં હોસ્પિટલ ઊભી કરી હતી અને થોડા સમય બાદ ત્યાં જ હંગામી ધોરણે સારવાર કેન્દ્ર શરૂ કર્યા હતા.”
ભૂકંપની પરિસ્થિતિ વિશે વાત કરતા ડૉ રાવે કહ્યું હતું કે, અત્યારે કચ્છ તબીબી ક્ષેત્રમાં ઘણું આગળ વધી ગયું છે. આજે ઘણી ખાનગી અને ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલ કચ્છમાં કાર્યરત છે, સાથે જ દરેક ક્ષેત્રના નિષ્ણાત તબીબ પણ કચ્છમાં છે. તબીબી ચકાસણી માટે પણ અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. પણ જો ભૂકંપના સંબંધમાં વાત કરીએ તો તે સમયે જે આપાતકાલીન પરિસ્થિતિ મુજબની સુવિધાઓની અછત હતી, તે આજે પણ પૂરી થઈ નથી. ઇમર્જન્સી મેડિકલ સર્વિસિસમાં હજુ પણ ઘણા સુધારાની જરૂર છે અને હું ઈચ્છું છું કે, આવનારા વખતમાં તે આપણે ઊભી કરી શકીએ.” ભૂકંપ બાદ કચ્છ પાસે હારવા માટે કંઈ બચ્યું ન હતું પણ જીતવા માટે આખું ફલક હતું. રણ, બાવળ અને અછતનું આ પ્રદેશ જોતા જોતા આજે દેશ વિદેશમાં પોતાના રણ, હસ્તકલા અને પરંપરા માટે પ્રખ્યાત થયું છે. ભૂકંપ બાદ પ્રવાસન એ કચ્છનો એક મહત્વનો આવક સ્ત્રોત બન્યો અને દેશ વિદેશથી લોકો કચ્છનું સફેદ રણ, ધોળાવીરાની હડપ્પન સંસ્કૃતિ અને રાજાશાહી વખતના મહેલો જોવા પહોંચે છે. પ્રવાસન સાથે ઉદ્યોગોએ પણ કચ્છની પ્રગતિમાં એક મહત્વનું ભાગ ભજવ્યું હતું. ભૂકંપ બાદ કચ્છને આર્થિક રીતે સધ્ધર કરવા ઉધોગોને ટેક્સમાં રાહત અપાતા અનેક ઉદ્યોગોએ કચ્છને પોતીકું માની પ્રગતિની દોડમાં ભાગ લીધું હતું. ભૂકંપ બાદના બે દાયકામાં ઉદ્યોગો વિશે વાત કરતાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના પ્રેસિડેન્ટ રાજેશ ભટ્ટ સાથે News18 સાથે વાત કરતા કહ્યું હતું કે, “ભૂકંપ પહેલાં કચ્છમાં ઉદ્યોગોનું કોઈ અસ્તિત્વ હતું જ નહીં, પણ આજે કચ્છમાં અનેક ઉદ્યોગો ખીલી ઉઠ્યા છે. પણ ભૂકંપ બાદ મોટી માત્રામાં કચ્છમાં ઉધોગોનું ઇન્વેસ્ટમેન્ટ આવતા કચ્છની કાયા પલટ થઈ છે. આજે કચ્છમાં રૂપિયા એક લાખ કરોડથી વધારે રોકાણ થયું છે અને એના કારણે જ કચ્છના લોકોને પણ રોજગારની તકો પૂરી પડી રહી છે. આજે દરેક ક્ષેત્રમાં કચ્છ વિશ્વસ્તરે ઊભો છે અને આપણું કચ્છ અત્યારે બિચારું નહીં પણ સુચારુ કચ્છ બન્યું છે.”