60 વર્ષથી વધુ વય, બે ટર્મ ચૂંટાનારને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ નહીં..!

Spread the love

 

ગાંધીનગર

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. જોકે, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ છે. 60થી વધુ વય હશે અને બે ટર્મથી વધુ સમયથી ચૂંટનારાને ટિકિટ નહી મળે. ભાજપે નવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવા નક્કી કર્યું છે. ગુજરાતમાં હાલ 66 પૈકી 42 પાલિકા પર ભાજપનો કબજો છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યા પછી પાલિકા-પંચાયત પર પણ રાજકીય દબદબો કાયમ રાખવા ભાજપે અત્યારથી કમર કસી છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મૂરતાઓની પસંદગી કરવા માટે ભાજપે નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. છેલ્લાં બે દિવસમાં દાવેદારોને મળીને સેન્સ પ્રક્રિયા આટોપી લેવામાં આવશે. નિરીક્ષકો દાવેદારોના નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ નેતાઓને સોંપી દેશે.

સૂત્રોના મતે, આગામી 29-30મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે જેમાં ઉમેદવારાના નામો પર મહોર મારવામાં આવશે. તા.1લી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે જોતાં 31મીએ ભાજપ ઉમેદવારોના નામોની ઘોષણા કરે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. ફેબ્રુઆરીનો માસ રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે કેમકે, 16મી ફેબ્રુઆરી પાલિકા-પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે 18મીએ ચૂંટણી પરિણામો જાહેર થશે. આ પરિણામના બીજા દિવસથી વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થશે. પાલિકા-પંચાયતની ચૂંટણી પછી શહેર-જીલ્લા પ્રમુખોના નામોની જાહેરાત થઇ શકે છે. ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોચ્યો છે.

આ જોતાં શહેર-જીલ્લા પ્રમુખના નામોની જાહેરાત પર બ્રેક લગાવી દેવાઇ છે કેમકે, પ્રમુખપદની ખેંચતાણ એટલી હદે થઇ રહી છેકે, અસંતોષની આગ ભભૂકે તેમ છે જેની સીધી અસર પાલિકા-પંચાયતની ચૂંટણી પરિણામો પર થાય તેમ છે. સંગઠનના પદ માટે અંદરોઅંદરની લડાઇ જામી છે ત્યારે હવે પાલિકા-પંચાયતમાં ટિકિટ માટે પણ પૂરજોશમાં લોબિંગ થઇ રહ્યુ છે. આ કારણોસર ઉમેદવારની પસંદગીમાં પણ જૂથવાદ હાવી થશે તેવો ભાજપને ડર સતાવી રહ્યો છે. એક તરફ, પાલિકા-પંચાયતની ચૂંટણી જીતવા ભાજપે રાજકીય ક્વાયત તેજ કરી છ તો બીજી તરફ, અમરેલી લેટરકાંડ ખુબ ગાજ્યો છે. બનાસકાંઠા જિલ્લા વિભાજનના મુદ્દો સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યાં છે. ભાજપમાં આંતકલહ વકર્યો છે. આ બધાય મુદ્દા ભાજપને નડી શકે છે. પાલિકા- પંચાયતની ચૂંટણીને આડે માત્ર પંદરેક દિવસો જ રહ્યાં છે ત્યારે ભાજપમાં અસંતોષની આગ પર ઠંડુ પાણી રેડનાર જ કોઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *