ગાંધીનગર
ગુજરાત સરકારના કર્મચારીઓની હાજરી હવે મોબાઈલ એપથી ભરાશે. ગુજરાત સરકારે આ માટે એક પરિપત્ર જારી કરી પ્રારંભિક તબક્કામાં 3 મહિના માટે ગાંધીનગરમાં આવેલી નવા સચિવાલય સહિતની તમામ કચેરીઓમાં અમલી કરવાનું ઠરાવ્યું છે. ડિજિટલ એટેન્ડન્ટ સિસ્ટમ નામની આ નવી પદ્ધતિ 3 મહિના માટે ગાંધીનગરની કચેરીઓ લાગુ કરશે. તે પછી સરકારની તમામ કચેરીઓમાં લાગુ કરાશે. આ 3 મહિના દરમિયાન કર્મચારીઓએ પોતાની હાજરી હાલની જૂની અને નવી એમ બંને પદ્ધતિથી પૂરવાની રહેશે. ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમથી ઓફિસ લોકેશન મેપિંગ, માર્ક એટેન્ડન્સ, એટેન્ડન્સ ટ્રેકિંગ, ડેટા એનાલિસિસ તેમજ રિપોર્ટિંગની સુવિધા આપવામાં આવી છે. આ પદ્ધતિ અનુસાર કર્મચારીઓ કે અધિકારી કચેરી કે સંકુલમાં પ્રવેશે તેમજ કચેરી કે સંકુલની બહાર નીકળે ત્યારે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ મારફત તેની હાજરીની નોંધ સિસ્ટમમાં થાય છે. આ સિવાય ફરજના સમય દરમિયાન કર્મચારીના લોકેશનની નોંધ થશે જેથી કર્મચારી કચેરી સિવાયના સ્થળે જઈ શકશે નહીં. કર્મચારી પાસે સ્માર્ટફોન ન હોય તો વેબકેમનો ઉપયોગ કરીને હાજરી નોંધાવવા માટે એટેન્ડન્સ આઈડી બનાવવાનું રહેશે આ માટે સંબંધિત વિભાગે આઇટી અંગેના કમ્પ્યુટર વેબકેમ જેવા જરૂરી સાધનોની ખરીદી કરવાની રહેશે. GIL દ્વારા વિભાગના સિસ્ટમ મેનેજરને ઓન બોર્ડ કર્મચારીઓ માટે તાલીમ આપવાની રહેશે. આ માટે મોબાઇલ એપ્લિકેશન અને વેબ લિંક પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.