તેલંગાણા
તેલંગાણા હાઈકોર્ટે સોમવારે રામ ચરણ અભિનીત ફિલ્મ ‘ગેમ ચેન્જર’ અને અન્ય ફિલ્મોના ટિકિટના ભાવમાં વધારાને લગતી અરજીઓ પર સુનાવણી કરી હતી. તેમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અન્ય સંબંધિત પક્ષોને નિર્દેશ આપ્યો છે કે, જ્યાં સુધી સરકાર દ આ મામલે નિર્ણય ન લે ત્યાં સુધી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રાત્રે 11 વાગ્યા પછી થિયેટરો અને મલ્ટિપ્લેક્સમાં ફિલ્મો જોવાની મંજૂરી ન આપવામાં આવે. હાઈકોર્ટે રાજ્ય સરકારને તમામ સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવા અને સવારે 11 વાગ્યા પહેલા અને રાત્રે 11 વાગ્યા પછી થિયેટર મલ્ટીપ્લેક્સમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પ્રવેશને રોકવા માટે સૂચનાઓ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે, ‘જયાં સુધી આવો નિર્ણય ન લેવાય ત્યાં સુધી સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રાત્રે 11 વાગ્યા પછી ફિલ્મો જોવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જણાવી દઈએ કે, સોમવારે હાઈકોર્ટ રામ ચરણ અભિનીત ફિલ્મ ‘ગેમ ચેન્જર’ અને અન્ય ફિલ્મોના ટિકિટના ભાવમાં વધારાને લગતી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. અરજદાર વિજય ગોપાલના વકીલે કહ્યું કે, સગીરોને મોડી રાત્રે ફિલ્મો જોવાની મંજૂરી ન આપવી જોઈએ, કારણ કે તે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. મલ્ટિપ્લેક્સમાં છેલ્લા શો 1:30 વાગ્યા સુધી ચાલે છે અને મોડી રાત્રિના શો દરમિયાન સગીરોના પ્રવેશને રોકવા માટે કોઈ પ્રતિબંધ નથી. તેમણે એમ પણ કહ્યું કે, સરકારે સિનેમાઘરોમાં સગીરોના પ્રવેશને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક નિર્ણય લેવો જોઈતો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં સંધ્યા થિયેટરમાં પુષ્પા-2′ ના શો દરમિયાન થયેલી દુર્ભાગ્યપૂર્ણ નાસભાગની ઘટનાને ધ્યાનમાં રાખીને આ આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં એક સગીર છોકરાને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેની માતાનું મોત નીપજ્યું હતું.