સરકાર દ્વારા હાલ ગુજરાતમાં અનેક જગ્યાએ સરકારી જગ્યામાં થયેલ દબાણ ડિમોલેશન ચાલી રહ્યું છે ત્યારે વર્ષો જૂના મંદિરો તોડી નાખવામાં આવ્યા હતા ત્યારે હવે નવા મંદિરનું નિર્માણના પ્રશ્ને બે ફાંટા પડી ગયા છે,
ગાંધીનગર
કુડાસણમાં ગુડાના રીઝર્વ પ્લોટમાં આવેલા હનુમાનજી મંદિરને ખસેડવા મહાનગરપાલિકાના કોર્પોરેટરોએ ટ્રસ્ટીઓને સમજાવીને મહાનગરપાલિકાના રીઝર્વ પ્લોટમાં નવું મંદિર બનાવવાનું કામ શરૂ કર્યા બાદ મંગળવારે વહેલી સવારે મહાનગરપાલિકા દ્વારા આ મંદિરના બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. આ ઘટનાના પગલે વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. જોકે, મંદિર તોડી પાડવા મામલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા જ મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્લોટમાં મંદિર બનાવવાની મંજૂરી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી નહીં હોવા છતાં સ્થાનિક કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદીએ આ પ્લોટમાં મંદિર બનાવવાની કામગીરીનું ખાતમુહર્ત કરાવ્યું હતું.
તેમના પતિ સુનિલ ત્રિવેદીએ આ મંદિર તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ વિશ્વહિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કુડાસણ ટીપી-૬માં આવેલા ૧૬૭નંબરના ફાઈનલ પ્લોટમાં ૭૦ વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર આવેલું છે. અહીં આસપાસના વસાહતીઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. આ પ્લોટ ગુડાએ હરાજીમાં વેચાણ માટે મૂક્યો હતો પરંતુ મંદિર હોવાથી ગુડાને એક પણ બિડ મળી ન હતી. બીજીતરફ આ પ્લોટ ખસેડવા માટે ગુડાએ અગાઉ ટ્રસ્ટીઓને નોટીસ આપી હતી પરંતુ ટ્રસ્ટીઓ દ્વારા વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગણી કરવામાં આવી હતી. દરમિયાનમાં સ્થાનિક કોર્પોરેટરો દ્વારા ગુડાનો પ્લોટ ખાલી કરી કોર્પોરેશનના પ્લોટમાં બાંધવા ટ્રસ્ટીઓને આશ્વાસન અપાતાં ત્યાં નવા મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોર્પોરશનની મંજૂરી વિના બાંધકામ થતું હોવાનું જણાતાં મહાનગરપાલિકાની ટીમે વહેલી સવારે આ બાંધકામ તોડી પાડયું હતું.
મંદિર મામલે કોર્પોરેટરોના આંતરિક રાજકારણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જે પ્લોટમાં હાલ હનુમાનજીનું મંદિર ઉભું છે તે પ્લોટ ગુડાનો છે અને કોર્પોરેટરોને તેમાં કશું લાગે વળગતું નથી. ગુડા અને ટ્રસ્ટીઓ વચ્ચે આ મામલે પરામર્શ ચાલી રહ્યો છે. પરંતુ કોર્પોરેટરોએ આ મુદ્દે દરમિયાનગીરી કરી ગુડાનો પ્લોટ ખાલી કરાવવા મહાનગરપાલિકાના પ્લોટમાં મંદિર બનાવવાનું આશ્વાસન કેમ આપ્યું અને કોર્પોરેટરોને આ પ્લોટમાં કેમ રસ છે તે મુદ્દો ચર્ચાનો વિષય છે. જે પ્લોટમાં નવું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું તે પ્લોટ મહાનગરપાલિકાને ગુડા તરફથી હસ્તાંતર થયેલો પ્લોટ છે અને તેને સામાજિક આંતરમાળખાકીય સુવિધા વિકસાવવા માટે રીઝર્વ રાખવામાં આવ્યો છે. હાલ આ પ્લોટ પર કોઇ આયોજન થયું નથી. મંજૂરી નહીં અપાઈ હોવા છતાં બાંધકામ કરવામાં આવતાં તેને તોડી પડાયું છે. બાંધકામ દૂર કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા તેને તાત્કાલિક કમ્પાઉન્ડ વોલ બાંધવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
