૬૦ વર્ષથી ઉપરના સીનીયર સીટીઝન અને ૪૫ થી ૬૦ વર્ષ વચ્ચેના ગંભીર પ્રકારના રોગોથી પીડાતાં નાગરિકોને ૧ લી માર્ચથી વેક્સીન અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ
¤ સમગ્ર વિશ્વમાં દેશવાસીઓને સસ્તી રસી ઉપલબ્ધ બનાવવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રાજયના નાગરિકો વતી આભાર માનતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ
¤ આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલમાં આ રસીનો
ચાર્જ રૂ. ૧૫૦/- અને સર્વિસ ચાર્જ રૂ. ૧૦૦/- મળી કુલ રૂ. ૨૫૦/- તમામ લાભાર્થીએ ચૂકવવાના રહેશે.: જયારે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે આપવામાં આવશે.
¤ રાજયમાં કુલ ૨૦૫૦ સરકારી આરોગ્ય સંસ્થાઓ અને ૫૩૪ ખાનગી આરોગ્ય સંસ્થાઓ ખાતેના વેક્સિનેશન સેન્ટરો ઉપર વેક્સિનેશન કરાશે
¤ લાભાર્થીઓ કોવિન 2.0 પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કોરોનાના રસીકરણના બીજા તબક્કામાં ૬૦ વર્ષથી ઉપરના સીનીયર સીટીઝન અને ૪૫થી ૬૦ વર્ષ વચ્ચેના ગંભીર પ્રકારના રોગોથી પીડાતાં નાગરિકો માટે રસીકરણનો પ્રારંભ સમગ્ર દેશમાં તા. ૧ લી માર્ચથી શરૂ થનાર છે. આ માટે ગુજરાતમાં પણ સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભારત સરકારે કોરોનાની વેકસીન ખાનગી હોસ્પિટલમાં લેવાની કિંમત ફક્ત રૂપિયા ૧૫૦ અને વહીવટી ચાર્જ રૂપિયા ૧૦૦ નક્કી કરવામાં આવ્યો છે એટલે જે નાગરિકો આરોગ્ય વિભાગ દ્વારા માન્ય ખાનગી હોસ્પિટલમાં રસી મેળવવા ઈચ્છતા હોય તેઓ ફક્ત રૂપિયા ૨૫૦ ની કિંમત થી એક વેકસીનનો ડોઝ પ્રાપ્ત કરી શકાશે જયારે સરકારી હોસ્પિટલમાં આ વેકસીન વિનામૂલ્યે આપવામાં આવશે.આ માટે આવકની કોઇ મર્યાદા રહેશે નહીં.
સમગ્ર વિશ્વ આજે કોરોના સામે લડી રહ્યુ છે ત્યારે દેશવાસીઓને કોરોનાથી રક્ષિત કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સસ્તી રસી ઉપલબ્ધ બનાવી ત્યારે રાજયના નાગરિકો વતી આભાર માનતા નાયબ મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ કે, તા. ૦૧ માર્ચ ૨૦૨૧ થી રાજયમાં ૬૦ વર્ષથી વધુ ઉમરના અને ૪૫ વર્ષથી ૫૯ વર્ષ સુધીના નક્કી થયેલ ૨૦ કોમોર્બીડ કંડિશન ધરાવતા વ્યક્તિઓને રસી થી રક્ષિત કરવામાં આવનાર છે એ મુજબ રાજયમાં કુલ ૨૦૫૦ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ૫૨૦ PM-JAY અને ૧૪ CGHS અંતર્ગતની એમ મળી કુલ ૫૩૪ ખાનગી આરોગ્ય સંસ્થાઓ ખાતેના વેક્સિનેશન સેન્ટરો ઉપર વેક્સિનેશન કરવામાં આવશે. સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે કોવિડ વેક્સિન વિનામુલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી આરોગ્ય સંસ્થા ખાતે પ્રતિ ડોઝ માટે રસીનો ચાર્જ રૂ. ૧૫૦/- અને સર્વિસ ચાર્જ રૂ. ૧૦૦/- મળી કુલ રૂ. ૨૫૦/- તમામ લાભાર્થીએ ચૂકવવાના રહેશે.
તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના મુજબ આગામી તા. ૧ લી માર્ચ, ૨૦૨૧ ના રોજ થી ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા (તા.૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ) તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા (ઉંમર-૦૧.૦૧.૨૦૨૨ સ્થિતિએ અને બીમારી અંગેનું ડોક્ટરનું પ્રમાણપત્ર) નાગરિકોને રસી આપવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ કે, બીજા તબક્કાના આ રસીકરણ અભિયાન અંતર્ગત રસી માટે લાયક લાભાર્થીઓ કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવીને પણ રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ આઇ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના લાભાર્થીને ડોક્ટરનું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે