
ગાંધીનગર
ગુજરાત પોલીસે આજે એક મહત્વપૂર્ણ પગલું ભરતા સ્ટેટ મોનીટરીંગ સેલને પોલીસ સ્ટેશનનો દરજ્જો આપ્યો છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે આ નવા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નવા પોલીસ સ્ટેશનમાં પ્રથમ ગુનો ગુજસીટોક (ગુજરાત આંતકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ) હેઠળ નોંધાયો છે. આશીષ ઉર્ફે આસુ અગ્રવાલ અને વિનોદ ઉર્ફે વિજય સિંધી ઉદવાણી સહિત 10 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગેંગ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાં સક્રિય હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં બહાર આવ્યું કે આ ગેંગ વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી કરતી હતી. આરોપીઓ ખોટા વાહન નંબર, એન્જિન-ચેસિસ નંબર અને બનાવટી ટ્રાન્સપોર્ટ દસ્તાવેજોનો ઉપયોગ કરતા હતા. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે આ ગેંગના સભ્યો વિરુદ્ધ અગાઉ 500થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના નવા પોલીસ સ્ટેશનમાં આ પ્રથમ ગુનાની નોંધણી સાથે જ ગુજરાત પોલીસે સંગઠિત ગુનાખોરી સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કર્યો છે.