100 મી. કરતા ઊંચી બિલ્ડિંગમાં દર પાંચ પછી એક માળ ખાલી રાખવો પડશે

Spread the love

 

હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફાયર એનઓસી આપવા માટે તમામ શરતોનું પાલન થશે તો જ મંજૂરી આપવાનું સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું

રાજકોટ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને ફાયર સેફ્ટીના મુદ્દે ચાલી રહેલા કેસની સુનાવણીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓથોરિટીને નિર્દેશ આપ્યા છે કે આગામી સુનાવણીમાં રાજ્યના મનપા સહિતના વિસ્તારોમાં ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીનો પ્લાન રજૂ કરવામાં આવે. ભરતી અંગેનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવે. દરમિયાન કેસની સુનાવણીમાં સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે નવી હાઇરાઇઝ (બહુમાળી) ઇમારતોને હાલ ફાયર એનઓસી આપવામાં આવી નથી. 100 મીટર કરતાં વધુ ઊંચાઇ વાળી ઇમારતોને હજુ ફાયર એનઓસી અપાઈ નથી. જોકે સામાન્ય રીતે આવી ઇમારતોમાં દર પાંચ માળ પછી એક માળ રેફ્યુઝ એરિયા તરીકે ખાલી રાખવામાં આવે છે. જેથી કોઇ પણ પ્રકારની દુર્ઘટનાના સમયે લોકોને સરળતાથી બચાવી શકાય. ફાયર વિભાગ પાસે આટલી ઊંચી ઇમારતો સુધી પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન માટેની સીડી હોતી નથી. પરંતુ હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવે છે.રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં સિનિયર ફાયર ઓફિસરોની ખાલી જગ્યા અંગે પણ હાઇકોર્ટ ચિંતા વ્યક્ત કરી હતી.

આ મુદ્દે વધુ સુનાવણી 21મી માર્ચના રોજ યોજાશે. અગાઉની સુનાવણીમાં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે ફાયર વિભાગમાં ભરતીઓ કરાઈ રહી છે. નવા ફાયર સ્ટેશન બનાવવાની ટાઇમ લાઈન અપાઈ છે. જો કે ટાઇમ લાઈન મુજબ રાજકોટ ફાયર સ્ટેશન વર્ષ 2026, ભાવનગર ફાયર સ્ટેશન વર્ષ 2028 અને વડોદરા ફાયર સ્ટેશન વર્ષ 2028માં બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ટીઆરપી ગેમઝોડન કાંડ બાદ હાઈકોટમાં સુવોમોટો અરજી દાખલ થઇ હતી અને શિવાનંદ હોસ્પિટલમાં આગ દુર્ઘટના બાદ પણ હાઈકોર્ટમાં ફાયર સેફટી મુદે સુનાવણી ચાલતી હતી. હાઇકોર્ટે કડક વલણ અપનાવતા અનેક ગાઈડલાઈન જાહેર કરી હતી અને તેનું પાલન કરવા માટે સરકારને પણ આદેશ આપ્યા હતાં. રાજ્યની બધી મહાનગરપાલિકાઓ તેમજ નગરપાલિકાઓને આ ગાઈડલાઈનનું પાલન થયા ત્યારબાદ જ પરવાનગી આપવામાં આવે તેવા હુકમ કર્યા હતાં.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *