લગ્નમાં જમવાનું ખુટી પડતા જાન લીલા તોરણે પાછી ફરી, પોલીસની સમજાવટથી મામલો થાળે પડયો
સુરત,
વસંત પંચમીએ અનેક લગ્નોના મુહૂર્ત હતા ત્યારે એક લગ્નના પ્રસંગમાં જોવા જેવી થઈ હતી. અહીં એક લગ્ન પ્રસંગમાં જમણવારમાં જમવાનું ખૂટી પડતા વરરાજાના પરિવારજનો અને જાનૈયાઓએ બબાલ પચાવી હતી.એટલું જ નહીં લગ્ન મુહુર્તમાંથી જાન પાછી ફરી હતી બાદમાં પૂરો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં પોલીસે વરપક્ષને લગ્ન કરવા માટે કાઉન્સેલીંગ કરતા વર-વધુની પોલીસ સ્ટેશનમાં જ એકબીજાને હાર-તોરા કરીને લગ્ન કર્યા હતા અને પોલીસ સ્ટેશનેથી જાનને વિદાઈ અપાઈ હતી. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે. ત્યારે ગતરોજ વસંત પંચમીના વણજોયા મુહૂર્તમાં મોટી સંખ્યામાં સુરતમાં લગ્ન યોજાયા હતાં. જેમાં વરાછા વિસ્તારમાં પણ એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. પરપ્રાંતિયોના લગ્ન પ્રસંગમાંથી જાનને જમવાનું ઘટ્યું હતું. જેથી જાનમાં આવેલા વરરાજાના પરિવારજનો તથા જાનૈયા લીલા તોરણે નારાજ થઈને નાસી ગયા હતાં.
વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી માતાવાડીના લક્ષ્મીનગરની વાડીમાં લગ્ન સમારંભ યોજાયો હતો. બિહારી પરિવારના લગ્ન સમારંભમાં ભોજન ઘટ્યું હતું. જેથી વરરાજા પક્ષે નારાજ થઈને પરણ્યા વગર જ વરરાજા અને જાનૈયા લગ્ન મંડપમાંથી નાસી ગયા હતાં.ત્યાર બાદ કન્યા અને તેના પરિવારજનો વરાછા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં. કન્યાને લગ્ન પૂર્ણ કરવા વિનંતી કરી હતી. વરાછા પોલીસ વરરાજા લગ્ન માટે રાજી કરવા માટે પોલીસ દ્વારા સમજાવી કાઉન્સેલિંગ કરી તેના ઘરેથી મનાવી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ કન્યા-વરરાજા પોલીસ સ્ટેશનમાં જ રાત્રિના સમયે હાર તોરા કરવા માની ગયા હતાં. જેથી પોલીસ સ્ટાફની જગ્યાએ વર-વધુએ લગ્ન કર્યા હતાં. ત્યારબાદ તમામને વિદાય આપવામાં આવી હતી.