નસવાડી
નસવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળા ધોરણ 1થી 5ની છે. આ પ્રાથમિક શાળામાં ગત વર્ષે એક બાળક હતું. શાળામાં ચૌહાણ ગીતાબેન ભાયલાલભાઈ ફરજ બજાવતા હતા. નવા સત્રમાં એક બાળકે એડમિશન લીધું હતું. ત્યારે આ શાળામાં તાલુકા ફેરની બદલીમાં રેલીયા આંબાથી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં પંડ્યા હેતલબેન ખગેશકુમારનો બદલીનો ઓર્ડર નસવાડી સ્ટેશન વિસ્તારની પ્રાથમિક શાળામાં 19/9/2024 ના રોજ કરવામાં આવ્યો હતો. બે શિક્ષકો વચ્ચે એક બાળક હતું. પરંતુ એ બાળક પણ શાળાએ ન આવતું હોવાથી હાલ વિધાર્થી વિહોણી શાળા બની છે. દિવાળી વેકેશન બાદ નસવાડી સ્ટેશન વિસ્તારની શાળામાં એક બાળક આવતું હતું. તે પણ ગાયબ થઇ જતા છેલ્લા બે માસથી બાળક શાળામાં ન આવતા શાળાના શિક્ષક નવરા ધૂપ થઈને બેઠા છે. ત્યારે બદલી થઈને આવેલા શિક્ષિકા બેનને નજીકની શાળામાં કામગીરી માટે મોકલવામાં આવે છે. જયારે અહીંયા તંત્ર દ્વારા ગંભીર બેદરકારી રાખીને શાળામાં એક જ બાળક ગતવર્ષે અને આ વર્ષે નવા સત્રમાં હતું. ત્યારે બીજા શિક્ષકનો ઓર્ડર કરતા પહેલા જિલ્લાના અધિકારીઓ અને તાલુકા મથકના અધિકારીઓ ધુપ્પલ વહીવટ ચલાવતા હોય તે રીતના હાજર રજીસ્ટર સંખ્યા એક જ બાળકની હોય ત્યાં બે શિક્ષકો મૂકીને સરકારના નાણાં વેડફી રહ્યા છે. નસવાડી તાલુકામાં અને છોટાઉદેપુર જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ છે. ત્યારે આવી રીતના શાળાઓમાં શિક્ષકોના ઓર્ડર કરીને અધિકારીઓ ફરજ પ્રત્યે કાળજી લેતા નથી તેનો આ વરવો નમૂનો છે. જયારે એક જ બાળક શાળામાં બે વર્ષથી હોય ત્યારે બીજા શિક્ષકને કેવી રીતના ઓર્ડર કરી શકાય તેનો પણ અભ્યાસ કર્યો નથી. છોટાઉદેપુર જિલ્લામાં અધિકારીઓના વાંકે હાલ તો બાળકો અભ્યાસથી વંચિત રહે છે. તેનો આ વરવો નમૂનો છે. છોટાઉદેપુર જિલ્લામાં આવી રીતના શિક્ષકોની નિમણુંક કરતા અધિકારીઓ આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાની મુલાકાત લે તે જરૂરી બન્યું છે. જયારે ગાંધીનગરના શિક્ષણ નિયામક પણ આદિવાસી વિસ્તારની પ્રાથમિક શાળાઓની જાત તપાસ કરે અને આવા અંધેર વહીવટ સામે પગલાં ભરે તે જરૂરી બન્યું છે.