અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને તેમના ધર્મપત્નીએ કોરોના રસીકરણ કરાવી વિશ્વસનીયતાનો સંદેશ પાઠવી રાજ્યના નાગરિકોને કોરોના રસીકરણ કરાવવા હાર્દભરી અપીલ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીશ્રી એ સામાન્ય વ્યક્તિની જેમ જ સોલા સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર પર પહોંચીને રસીકરણ માટેની સમગ્ર પ્રક્રિયા અનુસરી કોરોના રસીકરણ કરાવ્યું હતું. કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ દંપતી કોરોના રસીકરણ કેન્દ્રના ઓબ્ઝર્વેશન રૂમમાં અડધો કલાક સુધી દેખરેખ હેઠળ રહ્યાં હતા.
કોરોના રસીકરણના પ્રથમ ડોઝ મેળવ્યા બાદ મીડિયા સમક્ષ પોતાનો પ્રતિભાવ આપતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, સમગ્ર દેશમાં ૧લી માર્ચથી વરિષ્ઠ નાગરિકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ થયો છે. પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રથમ દિવસે કોરોના રસીકરણ કરાવીને સ્વદેશી વેક્સિન સંપૂર્ણ સલામત હોવાનો સંદેશ સમગ્ર દેશમાં પાઠવ્યો છે. આજે મેં અને મારા ધર્મપત્નીએ પણ કોરોના રસીકરણ કરાવીને સ્વયંમને કોરોના વાયરસ સામેની લડતમાં અતિઆવશ્યક સુરક્ષા કવચથી સજ્જ કર્યા છે.
કોરોનાની રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ કે, રાજ્યભરમાં મોટી સંખ્યામાં હેલ્થ કેર વર્કરો, ફ્રંટલાઇન વર્કરો અને હવે વરિષ્ઠ નાગરિકોએ કોરોના રસીકરણ કરાવ્યું છે. આજ દિન સુધી રાજ્યમાં કોરોના રસીકરણ બાદ ગંભીર આડઅસરનો એક પણ કિસ્સો સામે ન આવ્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી શ્રી એ કહ્યું હતુ.
નાયબ મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના અથાગ પ્રયાસોથી દેશવ્યાપી આત્મનિર્ભર અભિયાન તહેત ભારતીય વૈજ્ઞાનિકોએ સ્વદેશી વેક્સિન વિકસાવીને ભારતીય બુધ્ધિમતા અને વૈજ્ઞાનિક શક્તિનો પરચમ સમગ્ર વિશ્વ સામે લહેરાવ્યો છે. સ્વદેશી વેક્સિન સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવીં સમગ્ર દેશમાં વેક્સિનના સકારાત્મક પરિણામ મળી રહ્યાં હોવાનું તેઓએ ઉમેર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી એ વેક્સિન લીધા બાદ કોઇપણ જાતની આડઅસર વર્તાઇ રહી ન હોવાનું જણાવીને રાજ્યના દરેક નાગરિક, ખાસ કરીને વરિષ્ઠ અને કોમોર્બિડ નાગરિકોને રસીકરણ કરાવવા મીડિયાના માધ્યમથી હાર્દભરી અપીલ કરી હતી.
સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કરાવ્યાં બાદ મીડિયા સાથેના વાર્તાલાપમાં નાયબ મુખ્યમંત્રીશ્રી એ રાજ્યમાં અને સોલા સિવિલ હોસ્પિટલની કોરોના રસીકરણનો ચિતાર રજૂ કર્યો હતો.
શ્રી નીતિનભાઇ પટેલે ગઇ કાલ સાંજ સુધીમાં રાજ્યભરમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોના રસીકરણ કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોનાકાળમાં શ્રેષ્ઠ કામગીરી થઇ હોવાનું જણાવી કોરોના રસીકરણ વિશેનો ચિતાર રજૂ કરતાં તેઓએ કહ્યું કે, સોલા સિવિલ હોસ્પિટલમાં આજદિન સુધીમાં ૭૮૬ હેલ્થકેર વર્કરોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે.જ્યારે ૩૪૪ હેલ્થકેર વર્કરોએ કોરોનાની રસીનો બીજો ડોઝ મેળવીને કોરોના સામેની લડતમાં સુરક્ષા કવચથી સજ્જ કર્યા હોવાનું જણાવ્યુ હતુ.
તેઓએ વધુમાં ઉમેર્યુ કે સોલા સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૧૭૩૭ થી વધુ પોલીસ કર્મીઓ સહિતના ફ્રંટલાઇન વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ મેળવ્યો છે.
૧ લી માર્ચ થી રાજ્યવ્યાપી શરૂ થયેલ વરિષ્ઠ નાગરિકો માટેના કોરોના રસીકરણમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ૩૭૪ વરિષ્ઠ નાગરિકો અને ૨૯ કો-મોર્બિડ વ્યક્તિઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હોવાનું નાયબ મુખ્યમંત્રી શ્રી એ કહ્યું હતું.
સોલા સિવિલ હોસ્પિટલમાં નાયબ મુખ્યમંત્રીશ્રી ના રસીકરણ વેળાએ સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. પીનાબેન સોની, જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કૉલેજના ડીન ડૉ. નીતિન વોરા, સોલા સિવિલ હોસ્પિટલના સીનિયર અને નિષ્ણાંત તબીબો સહિત નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.