પાટીદાર અનામત આંદોલન સમયે કરાયેલા રાજદ્રોહ સહિતના 9 કેસ પરત ખેંચાયા : ગુજરાત સરકારની જાહેરાત

Spread the love

ગાંધીનગર

ગુજરાતમાં 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલની જંગી જનસભા બાદ ગુજરાતમાં પાટીદાર આંદોલનકારીઓ દ્વારા તોફાન મચાવવામાં આવ્યુ હતુ. જેમા અમદાવાદ, મહેસાણા, સુરત સહિત અનેક શહેરોમાં  યુવકોએ સરકારી સંપત્તિને તોડફોડ સહિતનું નુકસાન પહોંચાડ્યુ હતુ. જે બાદ તત્કાલિન ગુજરાત સરકારે આ તમામ ઉત્પાત મચાવનારાઓને પોષનારા આંદોલનકારીઓ સામે રાજદ્રોહ સહિતના કેસ દાખલ કર્યા હતા. જેમા હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ, રેશમા પટેલ, મનોજ પનારા, સહિતનાનો સમાવેશ થતો હતો.  પાટીદાર અનામત આંદોલનના 10 વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર પાટીદાર નેતાઓ દ્વારા આંદોલનકારીઓ સામે કરાયેલા આ કેસ પરત ખેંચવાની માગ સમયાંતરે થતી આવી છે. જેના પર નિર્ણય લેતા આજે રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરી કેસ પરત લેવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર વતી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમયે જે અમુક ઘટનાઓ બની હતી અને આ ઘટનામાં જે લોકો સામે કેસ ચાલુ હતા તેની તપાસ અને ચાર્જશીટ પૂરી થઈ છે તેવા 9 જેટલા કેસ પરત લેવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આપને જણાવી દઈએ કે આંદોલન દરમિયાન ઉભરીને આવેલા અનેક ચહેરાઓ વિવિધ રાજકીય પાર્ટી સાથે પણ જોડાઈ ચુક્યા છે. જેમા આંદોલનના મુખ્ય કર્તા હર્તા હાર્દિક પટેલ ખુદ હાલ ભાજપમાં જોડાઈ ગયા છે અને વિરમગામથી ભાજપના ધારાસભ્ય છે. જ્યારે રેશમા પટેલ NCPમાં જોડાઈ ગયા હતા. વરૂણ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. રાજ્ય સરકારના આ નિર્ણય સામે રાજકીય આક્ષેપબાજી પણ શરૂ થઈ ગઈ છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યુ કે ભાજપમાં જોડાઈ ગયા એટલે રાજદ્રોહની કલમ મીટાવી દેવાની? કગથરાએ જણાવ્યુ કે કોંગ્રેસે 70 વર્ષમાં કોઈ પર એકપણ રાજદ્રોહનો કેસ કર્યો નથી. રાજદ્રોહના કેસ લાગ્યો ત્યારે જ અમારો વિરોધ હતો. હું આ નિર્ણયનો વિરોધ કરુ છુ. આ કેસ અંગે વાત કરતા રાજ્યસરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે વખતોવખત કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. હવે 4 જેટલા કેસ બાકી છે. દરેક કેસ ન્યાયિક પ્રક્રિયા હેઠળ પાછા ખેંચવામાં આવ્યા છે. જેમા કેટલી કલમો લાગી છે ? કેટલા કેસ પરત ખેંચાઈ શકે તેવા છે તેની સમીક્ષા બાદ નિર્ણય લેવાયો છે. આંદોલન સમયે થયેલી તોડફોડ અંગે મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે એ કોઈ ચોક્કસ હેતુ માટે નહીં પરંતુ લાગણીમાં આવીને બની હતી. જ્યારે સમગ્રતયા સમીક્ષા કરવામાં આવી તો એ પણ જાણ થઈ કે જે લોકો અમુક ઘટનાઓમાં સામેલ ન હતા તેવા લોકોના નામ પણ આવી ગયા છે. તેથી નિર્દોષને સજા ન થાય તેનુ ધ્યાન રાખી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 360 હેઠળ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. આ તરફ ધોરાજીથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક્રિયા આપી કે સરકારે ખૂબ મોડો નિર્ણય કર્યો. સરકારે આંદોલનને તોડવા માટે ખોટા કેસ કર્યા. રાજદ્રોહ, દેશદ્રોહ સહિતના ખોટા કેસ આંદોલનકારીઓ સામે કરવામાં આવ્યા. પાટીદારો પરના કેસ પરત ખેંચાતા પાટીદાર અગ્રણીઓએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓએ આ પગલાંને આવકાર્યો. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આ કેસ પાછા ખેંચાવાને લીધે અનેક યુવાનોને લાભ થશે. આ તરફ સુરતના વરાછાથી ધારાસભ્ય કુમાર કાનાણીએ આંદોલનથી લાભ થયાનો સ્વીકાર કર્યો. કાનાણીએ કહ્યુ પાટીદાર આંદોલનથી સમાજને ઘણો લાભ થયો. આંદોલનને કારણે સમાજને ઘણુ મળ્યુ છે. આંદોલન દરમિયાન રોષમાં તોડફોડ થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *