ગાંધીનગર
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે શિલજ-થોળ રોડ પર મોટી કાર્યવાહી કરતા વિદેશી દારૂની હેરાફેરી કરતા એક કન્ટેનરને પકડી પાડ્યું છે. પોલીસે આ કાર્યવાહીમાં રૂ.16 લાખની કિંમતનો વિદેશી દારૂ અને રૂ.10.25 લાખની કિંમતનું કન્ટેનર મળી કુલ રૂ.26.25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ ડી.બી. વાળાની ટીમે બાતમીના આધારે શિલજ-થોળ રોડ પર દ્વારકેશ પાર્ટી પ્લોટ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનરને રોકીને તપાસ કરતા તેના પાછળના ભાગમાં પૂંઠાના રોલની આડમાં ખાસ બનાવેલા પતરાના ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલા દારૂમાં 235 પેટી અને કુલ 3,276 બોટલ મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રામસર તાલુકાના શેતરાઉ ગામના ક્રિષ્ણપાલ ખેરાજરામ તાજારામ જાટની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ આંતર રાજ્ય દારૂની હેરાફેરી અટકાવવા માટે જિલ્લાના મુખ્ય માર્ગો પર દિવસ-રાત પેટ્રોલિંગ અને નાકાબંધી કરવાની સૂચના આપી છે. આ કાર્યવાહી તેનું જ પરિણામ છે.