માર્ગ પર વાહન નીચે કચડાતા પ્રાણીઓને બચાવવા પોલીસનું મહાઅભિયાન

Spread the love

વાહનચાલકોને જાગૃત કરવા એનજીઓના સહયોગથી ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું

ગાંધીનગર

વનરાજીથી ઘેરાયેલા ગાંધીનગરમાં વન્ય પ્રાણીઓની સંખ્યા પણ ઘણી વધારે છે. મુખ્ય માર્ગો પર આવા પ્રાણીઓ રસ્તા પર આવી જતા હોવાથી વાહનો નીચે કચડાઇ જવાના બનાવ બને છે. આ મામલે વાહનચાલકોને જાગૃત કરવા એનજીઓના સહયોગથી ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે મુજબ શહેરના વિવિધ માર્ગો પર વાહનચાલકોની જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવી રહ્યા છે. ગાંધીનગરની સ્થાપના સમયથી જ દરેક માર્ગોની બંને તરફ રીઝર્વ ફોરેસ્ટ એરીયા રાખવામાં આવ્યો છે. નેશનલ હાઇવે એવા જ- માર્ગ પર ઇન્દ્રોડા પાર્ક અને ઘણા મોટા વિસ્તારમાં ગીચ ઝાડી આવેલી છે. આ વિસ્તારમાં નીલ ગાય, શિયાળ સહિતના વન્ય પ્રાણીઓ રહે છે. માર્ગો પરથી પુરઝડપે વાહનો પસાર થાય છે ત્યારે રસ્તા પર આવી જતાં પ્રાણીઓ કચડાઇ જવાની સંભાવના રહે છે. આ ઉપરાંત ઘરેલું પ્રાણીઓ પણ રસ્તા પર આવીને કચડાઇ જવાના બનાવ બનતા રહે છે. આવા બનાવ અટકાવવા અને જે વિસ્તારમાં પ્રાણીઓની અવરજવર વધારે રહે છે તેવા મુખ્ય માર્ગો પર ટ્રાફિક પોલીસ દ્વારા એનજીઓના સહયોગથી બેનરો લગાવવામાં આવી રહ્યા છે. “બ્રેક મારો- પ્રાણીઓ નહીં” સૂત્રના માધ્યમથી વાહનચાલકોને પ્રાણીઓની અવર જવર પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *