લગ્નના દિવસે જ યુવાનને હાર્ટ એટેક આવતા મોત મૃત્યું થયું… લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો

Spread the love

જૂનાગઢ

જૂનાગઢના યુવાનનું લગ્નના દિવસે જ અમદાવાદમાં હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.રાત્રે મહેંદી રસમ કરી હતી અને દાંડીયા રાસ લીધા હતા. જ્યારે વ્હેલી સવારે આવેલો એટેક જીવલેણ સાબિત થયો હતો. યુવાનના અચાનક મૃત્યુથી જૈન પરિવારમાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. આ અંગે જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં અજયભાઇ રતિલાલ સુરતી રહે છે અને તેઓ જૈન સંઘની બાંધકામ કમિટીમાં સભ્ય હોય જ્ઞાતિની સેવામાં કાર્યરત રહેતા હતા. તેમના 26 વર્ષિય પુત્ર હર્ષિતને અમદાવાદ નોકરી મળતા તે આઠ મહિનાથી અમદાવાદ સ્થાયી થયો હતો. દરમિયાન હર્ષિતના લગ્ન નક્કી થતા તેમના માતા ચેતનાબેન, પિતા અજયભાઇ અને પરિવારજનો અમદાવાદ લગ્ન કરવા માટે ગયા હતા. લગ્ન પ્રસંગ આનંદ, ઉલ્લાસ સાથે ઉજવાઇ રહ્યો હતો.

વરરાજા હર્ષિતે લગ્નની આગલી રાત્રે ( ગુરૂવારે ) મહેંદી રસમમાં ભાગ લીધો હતો અને દાંડીયા રાસની પણ રમઝટ બોલાવી હતી. દરમિયાન શુક્રવારે વ્હેલી સવારે 5 : 45 વાગ્યે હર્ષિતને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. તેની જાણ થતા પરિવારજનોએ તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલે લઇ જવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ હોસ્પિટલે પહોંચે તે પહેલા જ રસ્તામાં જ એટેકના કારણે હર્ષિતનું પ્રાણ પંખેરૂં ઉડી ગયું હતું. જેમના લગ્ન હતા તેજ યુવાન – વરરાજાનું અને એ પણ લગ્નના દિવસે જ હાર્ટ એટેકથી મૃત્યુ થતા પરિવારજનોમાં ભારે શોક ફેલાયો હતો. આમ, જ્યાં આગલે દિવસે ખુશીના માહોલ વચ્ચે લગ્નગીતો ગવાતા હતા ત્યાં મૃત્યુના કારણે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો. આ બનાવથી જૂનાગઢ સ્થાનકવાસી જૈન સંઘમાં પણ શોકનો માહોલ ફેલાઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *