ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યનાં ગામો-શહેરોમાં સૌને પીવાનું શુદ્ધ ફિલ્ટર્ડ પાણી પહોંચાડી તંદુરસ્ત સ્વસ્થ જીવનની પ્રતિબદ્ધતા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે હવે રાજ્યમાં સંપૂર્ણપણે વરસાદનું પાણી પૂરું પાડવામાં આવે છે. રાજ્યના મોટાભાગના ગામડા અને શહેરો સુધી હવે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદનું પાણી પહોંચાડવામાં આવે છે એ ચાલુ વર્ષ દરમિયાન વરસેલા વરસાદનું પાણી છે. આ પાણી ક્ષારમુક્ત અને શુદ્ધ હોય છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં કડાણા, ઉકાઈ અને ધરોઈ જેવા કાયમી સોર્સિસથી પાણી પહોંચાડવામાં આવે છે.
ગુજરાત વિધાનસભાગૃહમાં પુછાયેલ પ્રશ્નનો ઉત્તર અપાતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કહ્યું કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ ગુણવત્તાયુક્ત પીવાનું પાણી પૂરું પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
મંત્રીશ્રી બાવળિયાએ કહ્યું કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોને સરફેસ સોર્સ આધારિત પાણી પૂરું પાડવામાં આવે છે. ગ્રામ્યસ્તરે પાણી સમિતિ દ્વારા બોર અને કૂવાના પાણીની ચકાસણી કરીને પાણી ઉપયોગમાં લેવાતું હોય છે. રાજ્યમાં નળ દ્વારા પૂરા પડાતા પાણીની કેન્દ્ર સરકારના બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ મુજબના ૧૩ મુખ્ય કેમિકલ અને બેક્ટેરીયોલોજીકલ પેરામીટરની નિયમિત ધોરણે ચકાસણી કરવામાં આવે છે. પરિણામે રાજ્યના નાગરિકોને ફ્લોરાઈડમુક્ત અને ક્ષારમુક્ત શુદ્ધ પીવાનું પાણી મળે છે.