નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે અમે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે રાજ્યમાં ૮૨ ટકાથી વધુ નાગરિકોને વિવિધ યોજનાઓ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે ‘નલ સે જલ’ યોજના હેઠળ રાજ્યના રેવન્યુ વિલેજને આવરી લીધા બાદ ગામડાઓમાં ખેતરમાં છુટા છવાયા વિસ્તારોમાં રહેલા લોકોને આવરી લેવાનું આયોજન છે.
આજે વિધાનસભા ખાતે બોરસદ તાલુકામાં આંતરિક પેયજળ યોજનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે ઉમેર્યું કે, રાજ્યની નર્મદા યોજના, ધરોઈ યોજના, કડાણા યોજના જેવી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ અને ‘નલ સે જલ’ યોજના અંતર્ગત ૮૨ ટકા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે છે.
પાણી પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાએ કહ્યું કે, બોરસદ તાલુકામાં આંતરિક પેયજળ યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં રૂ. ૨૦૯.૪૧ લાખના ખર્ચે ૪૦ યોજનાઓ પૂર્ણ કરીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.