બસ ૨૦ મીટર ઊંડા નાળામાં પડી; અકસ્માત સમયે બસમાં ૭૦ લોકો સવાર હતા
અમેરિકા
મધ્ય અમેરિકામાં સ્થિત દેશ ગ્વાટેમાલાની રાજધાની ગ્વાટેમાલા સિટીમાં સોમવારે એક બસ પુલ પરથી પડી ગઈ. ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર, આ અકસ્માતમાં પપ લોકોનાં મોત થયા છે. મુસાફરૌથી ભરેલી બસ સાન અગસ્ટિન અકાસાગુઆસ્ટલાન શહેરથી રાજધાની જઈ રહી હતી.ફાયર બ્રિગેડના અધિકારી એડવિન વિલાસાને જણાવ્યું હતું કે અકસ્માત પહેલા અનેક વાહનો એકબીજા સાથે અથડાયા હતા, ત્યારબાદ બસ લગભગ ૨૦ મીટર ઊંડા નાળામાં પડી ગઈ હતી. અકસ્માત બાદ અડધી બસ નાળામાં ડુબી ગઈ, જેના કારણે લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો નહીં. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બસમાં લગભગ ૭૦ લોકો સવાર હતા. ગ્વાટેમાલાના રાષ્ટ્રપતિ બર્નાર્ડો અરેવાલોએ દેશમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. આ સાથે, લોકોની મદદ માટે સેના અને આપત્તિ એજન્સીઓને તૈનાત કરવામાં આવી હતી.બસ ૩૦ વર્ષ જૂની હતી ગ્વાટેમાલાના સંદેશાવ્યવહાર મંત્રી મિગુએલ એન્જલ ડિયાઝ કહે છે કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે બસ ૩૦ વર્ષ જૂની હતી, પરંતુ તેના કાર્યકારી લાઇસન્સ હજુ સુધી સમાપ્ત થયું ન હતું. બસ રેલિંગ તોડીને પુલ પરથી પડી ગઈ ફાયર વિભાગે જણાવ્યું હતું કે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો. આ પછી, બસ અનેક વાહનો સાથે અથડાઈ, રેલિંગ તોડી અને પુલ પરથી પડી ગઈ. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.