લગ્નમાં મામા ફોઈના સગા થઈને ઓળખ આપનાર સગીરા પર દુષ્કર્મ આચરનારને વીસ વર્ષની કેદ

Spread the love

 

ગાંધીનગર

ગાંધીનગરની 16 વર્ષીય સગીરા સાથે લગ્નપ્રસંગમાં એક શખસે મિત્રતા કેળવી હતી. દૂરના સગા થઈએ એમ કહીને તેની સાથે વાતચીત ચાલુ કરી હતી. એ બાદ શખસે વીડિયો કોલમાં અશ્લીલ ફોટા પાડી સગીરાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું તેમજ સગીરાને અવારનવાર હોટલોમાં લઈ જઈ 25 વખત દુષ્કર્મ આચર્યું હતું. જે કેસ ગાધીનગર કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આકરું વલણ અપનાવીને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ 25 હજારનો દંડ ફટકાર્યો છે. ગાંધીનગરની સગીરા વર્ષ – 2022 માં સેક્ટર – 26ની સરકારી પોલિટેક્નિકમાં ડિપ્લોમાનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. દરમિયાન ત્રણ મહિનાથી સગીરાએ અચાનક કોલેજ જવાનું બંધ કરી દીધું હતું, આથી પરિવારે પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે દોઢેક વર્ષ અગાઉ દૂરના સગા લગ્નપ્રસંગમાં મળ્યા હતા, જેણે સગીરાને મામા-ફોઈના સગા થઈએ એવી ઓળખ આપી વાતવાતમાં નંબર મેળવી લીધો હતો. શરૂઆતમાં ભાઈ તરીકે વાતો કરી તે શખસે ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જેનો સગીરાએ સ્વીકાર કરી લીધો હતો. બાદમાં શખસે વીડિયો કોલ કરીને અશ્લીલ ફોટા પાડી લીધા હતા, જેના થકી શખસ સગીરાને બ્લેકમેઇલ કરી મળવા માટે બોલાવતો હતો, જેથી સગીરા બીકના કારણે 15 નવેમ્બર 2022ના રોજ આરોપીને મળવા ગઈ હતી.

આરોપીએ તેને બાઈક પર બેસાડી સેકટર – 16ના થિયેટરમાં પિક્ચર જોવા લઈ ગયો હતો, જ્યાં તેની સાથે શારીરિક અડપલાં કર્યા પછી નજીકના ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં કહેવા લાગેલો કે આપણે કોઈ ભાઈ-બહેન નથી. આપણે લગ્ન કરી લઈશું. આમ સગીરાને બ્લેકમેલ કરી આરોપી અલગ અલગ સ્થળે લઈ જઈ 25થી વધુ વખત પોતાની હવસ સંતોષી હતી. પોતાને પોલીસ ખાતામાં ઉચ્ચ ઓળખાણ હોવાનું કહી તેણે સગીરાને ઘરે કોઈને વાત નહીં કરવાની ધમકીઓ પણ આપી હતી. એ મામલે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે અન્વયે પીઆઈ એસઆર મુછાળએ ઘનિષ્ઠ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી જરૂરી પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. જે કેસ ગાંધીનગર પોક્સો કોર્ટના બીજા એડિશનલ સેશન્સ જજ એસડી મહેતાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સુનીલ એસ. પંડ્યાએ ધારદાર દલીલો કરી હતી. એ દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ 25 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે. ઉપરાંત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફત પીડિતાને ચાર લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *