આ અભિયાન ભારતમાં અંગ પ્રત્યારોપણ માટે રાહ જોઈ રહેલા હજારો દર્દીઓ માટે આશાનું કિરણ બનશે : જય શાહ
મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ મેચ દરમિયાન બીસીસીઆઈ, રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને ગુજરાત તથા કેડી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અંગદાન રજીસ્ટ્રેશન માટેની એક અનોખી પહેલ
અમદાવાદ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ દરમિયાન બીસીસીઆઈ, રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ અને ગુજરાત તથા કેડી હોસ્પિટલ( KD Hospital) ના સંયુક્ત ઉપક્રમે અંગદાન રજીસ્ટ્રેશન માટેની એક અનોખી પહેલ કરવામાં આવી. જે અંતર્ગત મેચના દિવસે સાંજે છ વાગ્યા સુધીમાં 20,000 થી વધુ લોકો દ્વારા અંગદાન માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી.ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાને જોતા જયભાઈ શાહ દ્વારા ક્રિકેટ મેચ અને તે દ્વારા દર્શકોને અંગદાન પ્રવૃત્તિમાં સાંકળવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ અંગદાન થી આઠ વ્યક્તિઓને જીવનદાન આપી શકાય છે ત્યારે જયભાઈ શાહે જણાવ્યું કે આ અભિયાન ભારતમાં અંગ પ્રત્યારોપણ માટે રાહ જોઈ રહેલા હજારો દર્દીઓ માટે આશાનું કિરણ બનશે.
બીસીસીઆઈના અને અત્યારે ICC ના સૌથી યુવા પ્રમુખ શ્રી જય શાહના આ ઉમદા માનવતાવાદી કાર્યમાં રેડ ક્રોસ સાથે સંકળાયેલા સ્વયંસેવકો,રક્તદાન શિબિર આયોજકો, રક્તદાતાઓ તથા રેડ ક્રોસ ગુજરાતના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ અને તેઓ જે જે સંસ્થા સાથે સંકળાયેલા છે તેવા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક અને વિવિધ સામાજિક સંસ્થાઓએ પણ ઉમળકાભેર ભાગ લીધો.આ ઝુંબેશના કારણે અંગદાન માટેની પ્રતિજ્ઞામાં ગુજરાત રાજ્ય જે પહેલા દસમાં પણ ન હતું તે ત્રીજા ક્રમે પહોંચી શક્યું છે.
આ પ્રસંગે ICC ના પ્રમુખ શ્રી જયભાઈ શાહ, ભારતીય ક્રિકેટ ટીમના તમામ ક્રિકેટરો, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પદાધિકારીઓ, રેડક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ, દિલીપભાઈ દેશમુખ અને ડો.આદિત દેસાઈએ અમદાવાદીઓ અને ગુજરાતીઓને અંગદાન પ્રવૃત્તિ માટે ઉત્સાહપૂર્વક પોતાનું યોગદાન આપવા બદલ સૌનો આભાર માન્યો અને માનવતાવાદી કાર્યમાં જોડાવા બદલ અભિનંદન પાઠવ્યા.
સમગ્ર વિશ્વમાં ક્રિકેટ મેચમાં આટલી મોટી સંખ્યામાં ઓર્ગન ડોનેશન માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હોય તેવો આ પહેલો પ્રસંગ છે અને ICC ના સૌથી યુવા પ્રમુખ શ્રી જય શાહના આ ઉમદા માનવતા વાદી અભિયાનમાં સાંજે છ વાગ્યા સુધીમાં 20,000 થી વધુ લોકો આમાં જોડાતા આ એક રેકોર્ડ સ્થાપિત થયેલ છે.


