નવીદિલ્હી,
ફોરેક્સ ટ્રેડિંગમાં છેતરપિંડી અને ડિપોઝિટ સ્કીમના પ્રમોટરો સામે તાજેતરમાં કરવામાં આવેલા દરોડા બાદ બેન્કમાં જમા ૧૭૦ કરોડ રૂપિયાની રકમ ફ્રિઝ કરી હતી, એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ જણાવ્યું હતું. ફેડરલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૧ ફેબ્રુઆરીના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશના નોઈડા અને શામલી અને હરિયાણાના રોહતકમાં વિવિધ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ‘યૂએફએક્સ ટ્રેડ લિમિટેડ’ અને તેના ડિરેક્ટરો રાજેન્દ્ર સૂદ, વિનીત કુમાર અને સંતોષ કુમાર ઉપરાંત ‘માસ્ટર માઈન્ડ’ નવાબ અલી ઉર્ફે લવિશ ચૌધરી સામે તપાસના ભાગરૂપે દરોડા પાડવામાં આવ્યા હતા. મની લોન્ડરિંગની તપાસ હિમાચલ પ્રદેશ પોલીસ દ્વારા કયૂએફએક્સ કંપની સામે દાખલ કરવામાં આવેલી અનેક એફઆઇઆર સાથે સંબંધિત છે, જેના પર ‘છેતરપિંડી’વાળી ફોરેક્સ ટ્રેડિંગ સ્કીમ દ્વારા ઘણા રોકાણકારોને છેતરવાનો આરોપ છે. ઇડીએ આરોપ મુક્યો હતો કે કયૂએફએક્સ કંપની અને તેના ડિરેક્ટરો રોકાણકારોને રોકાણ પર ઊંચા વળતરનું વચન આપીને “ગેરકાયદે” ડિપોઝિટ સ્કીમ ચલાવી રહ્યા છે.
ઇડીએ જણાવ્યું હતું કે લગભગ 30 બેન્ક ખાતાઓમાં જમા કરાયેલા ૧૭૦ કરોડ રૂપિયાની રકમ ફ્રીઝ કરી દેવામાં આવી છે કારણ કે કંપનીના ડિરેક્ટર ફંડનાસ્ત્રોતનો ખુલાસો કરી શકયા નથી. આ ઉપરાંત કયૂએફએક્સ/વાયએફએક્સના એજન્ટ સામે દરોડા પાડયા બાદ લગભગ ૯૦ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. ઇડીએ જણાવ્યું હતું કે, ઇડી ચંડીગઢ ઝોનલ ઓફિસે ૧૧ ફેબ્રુઆરીના રોજ પીએમએલએ, ૨૦૦૨ હેઠળ દિલ્હી, નોઇડા, રોહતક અને શામલી (ઉત્તર પ્રદેશ) માં યૂએફએક્સ ટ્રેડ લિમિટેડ અને અન્યના કિસ્સામાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ૯૦ લાખ રૂપિયાથી વધુ રોકડા, વિવિધ ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસો જપ્ત કરવામાં આવ્યા હતા. આ બનાવટી કંપનીઓના 30 થી વધુ બેન્ક ખાતાઓમાં જમા કરાયેલી ૧૭૦ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
પોલીસે એફઆઇઆર નોંધ્યા બાદ ઇડીને જાણવા મળ્યું હતું કે કયૂએફએક્સ યોજનાનું નામ બદલીને વાઇએફએક્સ (યોર્કર એફએક્સ)કરી દેવામાં આવ્યું હતું. જેમાં પણ “ફોરેક્સ ટ્રેડિંગ”ના આડમાં ઊંચા દરના વળતરની લાલચ આપીને નિર્દોષ રોકાણકારોને છેતરવામાં આવી રહ્યા હતા. કયૂએફએક્સ સિવાય નવાબ અલી ઉર્ફ લવિશ ચૌધરી દ્વારા બોટબ્રો, ટીએલસી કોઇન, યોર્કર એફએક્સ જેવી વધુ છેતરપિંડી કરનારી રોકાણ યોજના ચલાવવામાં આવી હતી જેને ફોરેક્સ ટ્રેડિંગ એપ્લિકેશન્સ/વેબસાઇટ્સ તરીકે રજૂ કરવામાં આવતી હતી. ઇડીને જાણકારી મળી હતી કે વધુ ગ્રાહકોને આકર્ષવા માટે ભારત અને દુબઈમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે એનપે બોક્સ પ્રાઇવેટ લિમિટેડ, કેપ્ટર મની સોલ્યૂશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટાઇગર ડિઝિટલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડના અનેક બેન્ક ખાતાઓનો ઉપયોગ રોકાણકારો પાસેથી “ભંડોળ એકત્ર કરવા” માટે થઈ રહ્યો છે.