સમગ્ર ખરીદી પ્રક્રિયા નાફેડ દ્વારા નિયમોને આધિન કરવામાં આવે છે : ખેડૂતોના સીધા બેન્ક ખાતામાં જમા થાય છે
ડાંગર-બાજરીની ટેકાના ભાવે ખરીદી અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, રાજ્યમાં ટેકાના ભાવે થતી અનાજની ખરીદી સંપૂર્ણ પારદર્શક અને ગુણવત્તાયુક્ત કરવામાં આવે છે.
છેલ્લાં ચાર વર્ષમાં લાખો ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા છે. ખેડૂતોને આ પારદર્શક ખરીદી પ્રક્રિયામાં કોઈ જ ફરિયાદો નથી. સમગ્ર ખરીદી પ્રક્રિયા નાફેડ દ્વારા કરવામાં આવે છે તે માટે નિયત નીતિ નિયમો બનાવાયેલા છે. તેના આધારે યોગ્ય ગુણવત્તાને આધારે ખરીદ પ્રક્રિયા થાય છે તેવું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.
ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રાહકોની બાબતના મંત્રી શ્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે, ટેકાના ભાવે ખરીદી માટે અમારી સરકારે ગામના ખેડૂતો માટે પારદર્શક વ્યવસ્થા બનાવી છે. ખેેડૂતોની ઓનલાઈન નોંધણી કર્યાં બાદ ગ્રામ્યકક્ષાએથી VCE મારફતે નોંધણી કરાવી દેવામાં આવે છે. એટલું જ નહી ખરીદી પ્રક્રિયામાં SMS મારફતે ખેડૂતોને જાણ પણ કરવામાં આવે છે. ખેડા અને નડિયાદ જિલ્લામાં APMC દ્વારા બાજરી-ડાંગરની ખરીદી કરવામાં ન આવતી હોવાની ફરિયાદ અને પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આવી એક પણ ફરિયાદ ખેડૂતો તરફથી મળી નથી.