નવીદિલ્હી
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના એક દિવસ પછી રેખા ગુપ્તાએ પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફને હટાવી દીધો છે. આ ઉપરાંત, પાછલી સરકારે જે અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય સ્થળોએ નિયુક્ત કર્યા હતા તેમને તાત્કાલિક તેમના મૂળ વિભાગોમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા બપોરે 2 વાગ્યે મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આમાં દિલ્હી જળ બોર્ડ અને પીડબ્લ્યુડીના અધિકારીઓને ખાસ બોલાવવામાં આવ્યા છે. આ બેઠકમાં પીડબ્લ્યુડી મંત્રી પ્રવેશ વર્માએ પણ હાજરી આપી. બેઠકમાં ખરાબ રસ્તાઓ અને પાણીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત, નવી સરકારનું વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. તે ત્રણ દિવસ ચાલશે અને 27 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. નવા ધારાસભ્યો ગૃહમાં શપથ લેશે. ત્રીજા દિવસે, CAGના 14 રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શુક્રવારે નવી સરકારની ટીકા કરવા બદલ કોંગ્રેસ અને AAP પર પ્રહારો કર્યા. રેખાએ કહ્યું- શપથ લીધા પછી તરત જ, પહેલા દિવસે અમારી કેબિનેટ બેઠક થઈ અને અમે આયુષ્માન ભારત યોજનાને મંજૂરી આપી, જેને AAP દ્વારા અટકાવી દેવામાં આવી હતી. હવે અમે દિલ્હીની ચિંતા કરીશું અને પીએમ મોદીના નેતૃત્વમાં દિલ્હીને તેના અધિકારો મળશે. રેખાએ આગળ કહ્યું, “તેઓએ (વિપક્ષે) પોતાના પક્ષનું ધ્યાન રાખવું જોઈએ, ઘણા લોકો એવા છે જે પાર્ટી છોડવા માંગે છે. તેમને ચિંતા છે કે જ્યારે CAG રિપોર્ટ ગૃહમાં રજૂ થશે, ત્યારે ઘણા લોકોના રેકોર્ડ સામે આવી જશે.”
AAP નેતા અને દિલ્હીના પૂર્વ સીએમ આતિશીએ કહ્યું- ભાજપે દિલ્હીની મહિલાઓને વચન આપ્યું હતું કે તેઓ પહેલી કેબિનેટ બેઠકમાં જ દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયા આપવાની યોજના પસાર કરશે. દિલ્હીની બધી મહિલાઓને આશા હતી કે યોજના પસાર થશે. ભાજપે પહેલા દિવસથી જ પોતાનાં વચનો તોડવાનું શરૂ કરી દીધું. તેઓએ યોજના પસાર કરી ન હતી. ભાજપે દિલ્હીના લોકોને છેતરવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ નેતા અલકા લાંબાએ કહ્યું, “હું તેમને (રેખા ગુપ્તા) અભિનંદન આપું છું કારણ કે તેમની પાસે હવે મોટી જવાબદારી છે. તેઓ (ભાજપ) વચનો આપતાં રહે છે, અને કેન્દ્રમાં પણ તેઓ સત્તામાં છે. દિલ્હીના તમામ 7 સાંસદો ભાજપના છે. હવે જોવાનું એ છે કે તેઓ યમુનાને સાફ કરવા માટે શું કરે છે. અત્યારે, મને લાગે છે કે યમુનાને સાફ કરવા માટે મશીનો અને અન્ય કામ ફક્ત ફોટો પાડવા માટે છે.”
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ બપોરે 12:30 વાગ્યે યોજાયો હતો. આના માત્ર 4 કલાક પછી, મંત્રીઓમાં વિભાગો વહેંચી દેવામાં આવ્યા હતા. સીએમ રેખા ગુપ્તાએ નાણાં મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. આ ઉપરાંત, તેમણે 8 વધુ વિભાગો પોતાની પાસે રાખ્યા છે. નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલને હરાવનારા પ્રવેશ વર્માને પીડબ્લ્યુડી, વિધાનસભા બાબતો, સિંચાઈ અને પૂર નિયંત્રણ, પાણી, ગુરુદ્વારા ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. રોહિણીથી ચોથી વખત જીતનારા ભાજપના વરિષ્ઠ નેતા વિજેન્દ્ર ગુપ્તાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવશે અને મુસ્તફાબાદના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવશે.