ભરૂચ
ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજને લઇ એક યુવકે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતાં આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જેને લઇ આજે તા. (21/02/2025) બહોળી સંખ્યામાં સમાજના લોકોએ હાથોમાં તીર-કામઠાં સાથે રેલી યોજીને કલેક્ટર કચેરીએ એકત્ર થઇને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે. આ રજૂઆતમાં આદિવાસી નેતા મહેશ વસાવાએ ચેતવણી આપતા કહ્યું છે કે, આદિવાસી સમાજ અમારો ટાઇગર છે, જે ક્યારે જંગલમાંથી છલાંગ મારશે એ ખબર નહીં પડે એટલે આ મામલે જલદી તપાસ કરવામાં આવે. આ અંગે વિગતે વાત કરીએ તો તાજેતરમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખરચી ગામેથી વસાવા આદિવાસી સમાજનો યુવાન ભરૂચના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઈને લાલાભાઇ નામના યુવકે આદિવાસી સમાજની યુવતીઓ, માતા બહેનો પર અભદ્ર અને તુચ્છ ટિપ્પણી કરી હતી. જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો.
આ વાત સમાજના લોકોમાં ફેલાતા આજે રોજ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદન આપી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ સર્કિટ હાઉસ ખાતેથી હાથોમાં તીર-કામઠાં સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી નેતા મહેશ છોટુભાઈ વસાવા, દિલીપ છોટુભાઈ વસાવા સહિત સમાજના આગેવાનો ભાઈઓ – બહેનો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. આ અંગે આદિવાસી નેતા મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, દેશના રષ્ટ્રપતિ આદિવાસી સમાજમાંથી આવે છે એમને મારી વિનંતી છે કે, આ સમાજ પર આવી અભદ્ર ટિપ્પણી યોગ્ય નથી. છોકરો હેલિકોપ્ટર લઇને છોકરી લેવા જાય એ ગૌરવની વાત છે. આવનારા સમયમાં વિમાન લઇને પણ જાન જોડશે. અમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને વિનંતી છે કે આ મામલે જલદીથી તપાસ કરવામાં આવે. આદિવાસી સમાજ અમારો ટાઇગર છે, જંગલમાંથી ક્યારે છલાંગ મારશે એ ખબર નહીં પડે. એટલે વહીવટી તંત્રને અમારી રજૂઆત કહો કે ચેતવણી કહો.. જે કહો એ છે. આ નાલાયકને ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવે.