પુરપાટ આવતી કારે બે બાઇકને અડફેટે લઈ પલટી, સગાં ભાઈ-બહેન સહિત ત્રણનાં મોત

Spread the love

 

 

 

સુરત

સુરતના લસકાણા ચાર રસ્તા પાસે 23 ફેબ્રુઆરીની સાંજના પૂરપાટ હંકારતા કારચાલકે વારાફરતી બે બાઈકને ટક્કર માર્યા બાદ કાર BRTS રોડમાં ઘૂસીને પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. એમાં બે બાઇકચાલક યુવકને હોસ્પિટલે ખસેડાતાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જેનું આજે મોત નીપજ્યું છે. અમરેલીનાં સગાં ભાઈ-બહેનનાં મોતથી પરિવારમાં ભારે શોક છે. જ્યારે અન્ય યુવકના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલ આ મામલે લસકાણા પોલીસે કારચાલક વિરુદ્ધમાં સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, કામરેજમાં નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ મનસુખભાઇ ગજેરા અને તેની બહેન શોભા સાથે સાંજે બાઇક પર કામ અર્થે જવા નીકળ્યાં હતાં. એ સમયે લસકાણા ચાર રસ્તા પાસે એક કારના ચાલેક પૂરપાટ ઝડપે કાર હંકારી રાજેશની બાઈકને ટક્કર મારી હતી. ત્યાર બાદ બીજી બાઇકના ચાલક 48 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ લાઠિયાને પણ કારે અડફેટે લીધા હતા. બે બાઈકને અડફેટે લીધા બાદમાં કાર બીઆરટીએસ રોડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પલટી ખાઈને ડિવાઈડર સાથે ભટકાઈ હતી. એમાં ગંભીર ઈજા પામેલા રાજેશ ગજેરા અને મહેશભાઇ લાઠિયાને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં વારાફરતી બંને યુવકોને ટૂંકી સારવારમાં મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *