સુરતમાં વાહનચાલક અને PI વચ્ચે ઝપાઝપી, પોલીસકર્મી નશામાં હોવાનું અને લાફો માર્યાનો યુવકનો આક્ષેપ

Spread the love

 

સુરત

સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ-ઇન્સ્પેક્ટર વાય. એમ. ગોહિલ અને બાઈકચાલક વચ્ચે ઝપાઝપી થયાની ઘટના સામે આવી છે, જેમાં PIએ રોંગ સાઈડથી આવતા એક બાઈકચાલકને રોકી દંડ ફટકારતાં માથાકૂટ સર્જાઈ હતી. બાઈકચાલક તેમજ તેના સાથીઓએ PI સાથે ઉગ્ર વિવાદ કર્યો હતો. આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. એમાં યુવક આક્ષેપ કરી રહ્યો છે કે પોલીસકર્મી દારૂ પીધેલો છે અને તેણે મને લાફો માર્યો છે.

વાઇરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બાઈકચાલક અને તેના સાથીઓ PI ગોહિલ સાથે ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે. તેઓ પીઆઇ સાથે ધક્કામુક્કી કરીને ગાળો પણ બોલી રહ્યા છે. વીડિયોમાં એક મહિલા અને પુરુષ પણ હાજર હોવાનું દેખાઈ આવે છે, જે સંભવતઃ બાઈકચાલકનો ભાઈ અથવા પરિવારજનોમાંનો કોઈ છે. બાઈકચાલક PIને વારંવાર પૂછે છે કે તમે મને માર્યો કેમ? અને પછી PI સાથે ધક્કામુક્કી કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન PI ગોહિલ બાઈકચાલક અને તેના સાથીઓને દિલ્હી ગેટ પોલીસચોકી જવા માટે કહે છે. જોકે વીડિયોમાં એ પણ દેખાય છે કે બાઈકચાલકને તેઓ પોલીસચોકી લઈ જવા માગે છે, પરંતુ બાઇકચાલક ચાલીને જવાનું કહી ઉગ્ર બોલાચાલી કરે છે.

ટ્રાફિક પોલીસ-ઇન્સ્પેક્ટર વાય. એમ. ગોહિલે રોંગ સાઈડથી આવતા બાઈકચાલકને રોક્યો હતો અને નિયમો મુજબ ચલણ ફાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. એ દરમિયાન બાઈકચાલકે પીઆઇ પર આરોપ મૂક્યો કે તેમણે માર માર્યો છે અને વિવાદ વધ્યો હતો. આ ઘટનાનો વીડિયો કોઈએ રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો છે.  બાઈકચાલક અને તેના સાથીઓ વારંવાર આરોપ લગાવતા જોવા મળે છે કે PI ગોહિલ દારૂ પીને ફરજ બજાવી રહ્યા હતા, જોકે આ આરોપના કોઈ ઠોસ પુરાવા સામે આવ્યા નથી. ઘટનાને જોતાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

આ મામલે PI વાય.એમ. ગોહિલે સ્પષ્ટતા આપી હતી કે તેઓ માત્ર નિયમોનું પાલન કરાવી રહ્યા હતા. મેં બાઈકચાલકને રોકીને તેને પૂછ્યું કે તે રોંગ સાઈડ શા માટે આવ્યો છે? જોકે ચલણ આપવાના મુદ્દે તે ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપવા લાગ્યો હતો. ત્યાર બાદ મારા પર ખોટા આરોપ લગાવવાનું શરૂ કરી દીધું હતું. સ્થાનિક પોલીસે વીડિયો અને અન્ય પુરાવાઓના આ ધારે તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળના વીડિયો અને સાક્ષીઓનાં નિવેદનના આધારે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, સાથે યુવકની બાઈક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *