સુરત
સુરત જિલ્લાના કોસંબામાં બુટલેગરના આતંક બાદ સુરત શહેરના વેલંજામાં બુટલેગરનો આતંક જોવા મળ્યો છે. વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર 23 ફેબ્રુઆરીની ગતરાત્રે બુટલેગર અને તેના નવ સાગરીતે હથિયાર વડે આડેધડ હુમલો કરતા નિર્દોષ રત્નકલાકાર યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના નવ સાગરીતોને ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને ઠપકો આપ્યો હતો. જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો અને જેને આ ઝઘડા અંગે કઈ જાણ ન હોય તેવા નિર્દોષ રત્નકલાકારની હત્યા કરી નાખી હતી. મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના વેલંજામાં 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગરનો આતંક જોવા મળ્યો હતો. વેલંજા ગામ ધારા રેસીડન્સીના ગેટની સામે અંબાવિલા સોસાયટી પાસે મોડીરાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો. સ્થાનિકોએ તેને ત્યાંથી જવા કહેતા તેણે ઝઘડો કર્યો હતો. આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભુદેવે તે યુવાનને તમાચા મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. રાતે વેલંજાની અંબાવિલા સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટ પાસે સૌરાષ્ટ્રવાસી યુવકો બેઠા હતા. જેમાં મહિલા બુટલેગરના દીકરા સાથે થયેલા ઝઘડા અંગેની જાણ ન હોય એવો રત્નકલાકાર પારસ વેકરીયા પણ બેઠો હતો. દરમિયાન ઘાતક હથિયારો સાથે આઠથી દસ જેટલા અસામાજિક તત્ત્વો ટોળામાં ધસી આવ્યા હતા. તેમણે આ યુવકો પર હુમલો બોલાવતાં 22 વર્ષના રત્નકલાકાર પારસ પ્રતાપભાઈ વેકરીયા (રહે. નંદની સોસાયટી-2, વેલંજા- મૂળ દેતડ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ઉપરાંત ગોપાલ કાસોટીયા, વિપુલ કાસોટીયા, રૂદ્ર નાથાણી અને નીરૂને ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તો પૈકી પારસ વેકરીયાને છાતી પર જીવલેણ ઘા ઝીંકાતા તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. પારસ વરાછા રોડ માતાવાડીમાં હીરાના કારખાનામાં કામ કરતો હતો. બનાવની જાણ બાદ ઉત્રાણ પોલીસે ફરિયાદ અનુસાર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, નિકુંજ ભૂદેવ નામના યુવકે લાલુને લાફો માર્યો હતો, જેની અદાવતમાં આ જીવલેણ હુમલો થયો હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. વરાછાના મહિલા બુટલેગર શિલાનો દીકરો લાલુ તેની પ્રેમિકા સાથે વેલંજાની આંબાવિલા સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં બેઠો હતો. સ્થાનિક રહીશ નિકુંજ ભૂદેવે તેઓને અહીંથી ઉઠાડીને તમાચા મારી ભગાડી દેતાં તેની અદાવતમાં લાલુએ રામુ તેમજ અન્ય સાગરીતોને બોલાવી આ હુમલો કર્યો હતો. ઉત્રાણ પોલીસ મથકના પીઆઇ એમ. ઝેડ પટેલે બનાવ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરીને દસ હત્યારાઓને પકડી પાડયા હતા. વેલંજાની અંબાવિલા સોસાયટીમાં બેસેલા સ્થાનિકો ઉપર નવ સાગરીતો સાથે મળી ઘાતક હથિયાર સાથે આડેધડ હુમલો કરી નિર્દોષ રત્નકલાકારની હત્યા કરનાર રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી રીઢો ગુનેગાર છે. મૂળ ગોધરાનો રામુ એક સમયના કુખ્યાત દિલીપ વાઘરીનો ખાસ સાગરીત હતો. રામુ હાઈટમાં નાનો છે પણ તે કોઈના પર પણ હુમલો કરતા ખચકાતો નથી. ગત દિવાળીમાં તેણે હોમગાર્ડને પણ છરી મારી હતી. તેના વિરુદ્ધ સરથાણા, કાપોદ્રા, વરાછા, પુણા, અમરોલી, વરતેજમાં હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ, ધાકધમકી આપી પૈસા પડાવવાના, પ્રોહીબીશન, ચપ્પુ સાથે રાખવાના કુલ 19 ગુના નોંધાયા છે અને તેની પાસા હેઠળ પણ અટકાયત પણ થઈ છે. કાપોદ્રામાં નામચીન દિલીપની ટોળકીનો રામુ ગોધરા છ માસ અગાઉ હત્યાની કોશિશના ગુના હેઠળ પકડાયો હતો. ગત અઠવાડિયે જ એ જેલમાંથી છૂટયો હતો. શિલાના અડ્ડા ઉપર બેસી રહેતા રામુએ વેલંજામાં થયેલી માથાકૂટમાં ઝંપલાવી લાલુ સાથે આ હુમલો કર્યો હતો. જેમાં નિર્દોષ રત્નકલાકારની હત્યા કરી દેવામાં આવી હતી. હાલ તો તમામ 10 આરોપીની ધરપકડ કરીને ઉત્રાણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે.
પારસની હત્યામાં પકડાયેલી ટોળકી
- રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી (રહે. નંદનવન સોસાયટી, કામરેજ)
- રોનક નરેશભાઇ બેલડીયા (રહે. નારાયણનગર, પુણાગામ)
- જયેશ ઉર્ફે ટકો કમલેશ સોલંકી (રહે. સાંઇનાથ સોસાયટી, કાપોદ્રા)
- ચેતન મનસુખભાઈ બગડા (રહે. ચંચળનગર, કાપોદ્રા)
- વિજય રમેશભાઇ વકુસર (રહે. ચંચળનગર, કાપોદ્રા)
- સુજલ ઉર્ફે લાખો વિજયભાઇ ચૌહાણ (રહે. સત્યનારાયણનગર, કાપોદ્રા)
- અલ્પેશ ઉર્ફે લાલુ વિનુભાઇ બાભણીયા રહે. બોમ્બે કોલોની રચના સર્કલ પાસે,કાપોદ્રા
- લાલો ઉર્ફે મિથુન ધનાભાઇ મકવાણા (રહે. રવિપાર્ક સોસાયટી કાપોદ્રા)
- ચેતન ઉર્ફે કાળુ મનસુખભા બગડા (રહે. ચંચળનગર, કાપોદ્રા)
- રાકેશ દગડુભાઈ સૈદાણી (રહે. ભરવાડ ફળિયુ કાપોદ્રા)