રાજકોટ
રાજકોટના રિલાયન્સ મોલમાં આવેલ મેકડોનાલ્ડ્સની અતિ ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ગ્રાહકને વેજ બર્ગરને બદલે ચિકનવાળું નોનવેજ બર્ગર આપી દેવાયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં વૈષ્ણવ ગ્રાહકના પરિવારના એક વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ લીધું હતું. બાદમાં આ અંગેની જાણ થતાં ધાર્મિક લાગણી દુભાઇ હતી, જેને પગલે ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરવાની તૈયારી શરૂ કરી છે. જોકે, બીજીતરફ આ અંગે મેકડોનાલ્ડ્સનાં લાયઝનિંગ ઓફિસરે ગ્રાહકની સાથે લોકોની પણ માફી માગી છે.
ગત રવિવારે (23 ફેબ્રુઆરી) કેવલ વિરાણી નામના યુવકે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મગાવ્યાં હતાં. જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ બર્ગર પાર્સલમાંથી નીકળ્યાં હતાં. ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવારના વ્યક્તિએ ખાઈ લીધું હતું. મેકડોનાલ્ડ્સની આ ભૂલથી વૈષ્ણવ ધર્મ પાળતા પરિવારના એક સભ્યનો ધર્મ ભ્રષ્ટ થયાની લાગણી અનુભવાઈ હતી.
ભોગ બનનાર ગ્રાહક કેવલ વિરાણીએ જણાવ્યું હતું કે, રવિવારે અમે 6 વેજ બર્ગરનો ઓર્ડર રિલાયન્સ મોલમાં આવેલા મેકડોનાલ્ડ્સમાં કર્યો હતો. જેમાં વેજ બર્ગરના બદલે 4 વેજ અને 2 નોનવેજ બર્ગર પણ પાર્સલમાંથી નીકળ્યાં હતાં. ભૂલથી એક નોનવેજ બર્ગર પરિવારના એક વ્યક્તિએ ખાઈ લેતા ધાર્મિક લાગણી દુભાઈ છે. અમારો પરિવાર વૈષ્ણવ ધર્મ પાળે છે અને ચુસ્ત રીતે ધર્મનું પાલન કરે છે. જોકે, મેકડોનાલ્ડ્સની બેદરકારીથી અમારા પરિવારના એક વ્યક્તિનો ધર્મ ભ્રષ્ટ થયો હોવાનું લાગી રહ્યું છે. જેને કારણે આ અંગે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે.
મેકડોનાલ્ડ્સનાં લાયઝનિંગ ઓફિસર બિપીન પોપટે આ અંગે જણાવ્યું હતું કે, સ્ટાફના કોઈ વ્યક્તિની બેદરકારી હોવાથી આ ભૂલ થઈ છે. કોઈપણ વ્યક્તિની ધાર્મિક લાગણીને દુભાવવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમારી બ્રાન્ડ ઇન્ટરનેશનલ છે, જેમાં વેજ અને નોનવેજ કિચન હંમેશાં અલગ રાખવામાં આવે છે. તેમજ નિયમ મુજબ વેજ અને નોનવેજ વસ્તુઓ પર સિમ્બોલ પણ લગાવી દેવામાં આવતું હોય છે. આમ છતાં જે ભૂલ થઈ છે તે માટે તપાસ કમિટી રચવામાં આવી છે. જે કોઈની ભૂલ હશે તેને સસ્પેન્ડ કરવા સુધીનાં પગલાં પણ લેવાની તૈયારી તેમણે દર્શાવી છે. તેમજ આ ભૂલ સામે પોતાનું ધ્યાન દોરવા બદલ ગ્રાહકનો આભાર માની તેની માફી માંગી હતી.