બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં ACBએ સપાટો બોલાવી દિધો છે. બનાસકાંઠા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ એસીબીના સકંજામાં આવ્યા છે. એસીબીએ ત્રણ લાખની લાંચ લેતા નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઇન્ચાર્જ ઓ એસ ઈમરાન નાગોરીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરવા લાંચ માંગી હતી. એસીબી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ઓફિસ અને જુદા જુદા સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું છે. છેલ્લા બાર માસથી સ્ટેમ્પ ડ્યુટીના વ્યવહારને લઈને નાયબ કલેક્ટર અંકિતા ઓઝા વિવાદમાં હતા. નાયબ કલેક્ટર અંકિતા ઓઝા સામે જમીન- મકાન લે-વેચમાં સરકારી ચલણ ભર્યા બાદ પણ પ્રમાણપત્ર આપવામાં હેરાનગતિની ફરીયાદો હતી. તેઓ રૂપિયા ત્રણ લાખ લેતા ઝડપાયાનો ગાંધીનગર ACBએ ખુલાસો કર્યો છે.
લાંચના નાણાં ફરીયાદી લાંચિયા અધિકારીઓને આપવા માંગતા ન હોય તેમણે એ.સી.બી.નો સંપર્ક કરતાં આજે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન લાંચીયો અધિકારી ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી લાંચના નાણાં સ્વિકારી તે નાણાં નાયબ કલેક્ટર અંકિતા ઓઝાને તેમના ચેમ્બરમાં આપતા, સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. હાલ તો એસીબી દ્વારા બન્નેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.