અમદાવાદ
ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી જ ગુજરાતમાં દિવસના તાપમાન એટલે કે ગરમીનો પારો ધીમે ધીમે ઉચે જઈ રહ્યો છે. તેની સાથોસાથ રાત્રીનું તાપમાન પણ ધીમે ધીમે વધી રહ્યું છે. ગુજરાતના વિવિધ શહેરોમાં બુધવારે દિવસનું તાપમાન સામાન્ય કરતા 2.8થી લઈને 5.9 ડિગ્રી સુધી વધુ નોંધાયું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થા જેને હિટવેવ કહે છે તેવી સ્થિતિ ગુજરાતના ત્રણ શહેરમાં જોવા મળી છે તેમ કહી શકાય. વિશ્વ આરોગ્ય સંસ્થાના હિટવેવના નિયમ અનુસાર, સામાન્ય કરતા 4.5 થી લઈને 6.4 ડિગ્રી વધુ તાપમાન હોય ત્યારે તેને હિટવેવ કહી શકાય. પરંતુ તેના માટે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર હોવુ જરૂરી છે. જો કે ભાવનગર, ભૂજ, રાજકોટ અને દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીને પાર નોંધાયેલ છે.
ગઈકાલ બુધવારે, દિવસના નોંધાયેલ મહત્તમ તાપમાન પર એક નજર કરીએ તો, અમદાવાદમાં સામાન્ય કરતા 3.7 ડિગ્રી વધુ એટલે કે, 36.8 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સુરતમાં સામાન્ય તાપમાન કરતા 4.4 ડિગ્રી વધુ 38.4 ડિગ્રી ગરમી નોંધાઈ છે. રાજકોટમાં ગરમીનો પારો 38.7 ડિગ્રીએ પહોચ્યો હતો, જે સામાન્ય તાપમાન હોવું જોઈએ તેના કરતા 5.2 ડિગ્રી વધુ હતો. દરિયાકાંઠાના દ્વારકામાં 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાન સામાન્. તાપમાન કરતા 5.9 ડિગ્રી વધુ હતું. ગાંધીનગરમાં સામાન્ય કરતા 3.9 ડિગ્રી વધુ એટલે કે 36.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે. સમુદ્ર કિનારે ગરમ પવન ફુંકાવાની સંભાવના છે. રાજસ્થાનમાં સર્જાયેલ ઈન્ડયુસ સરક્યુલેશન અને ટ્રર્ફને કારણે તાપમાનનો પારો આંશિક ગગડશે.