ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને ધારાસભ્ય શૈલેષ પરમાર
શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં ભાજપ સરકારની યુવાનોને અન્યાય કરતી નીતિ ખુલ્લી પડી ગઈ :ગુજરાત સરકાર જયારે ઉદ્યોગપતિઓ – ઉદ્યોગગૃહોને છુટા હાથે કરોડો રૂપિયાની લ્હાણી કરે છે ત્યારે સ્થાનિકોને ૮૫ ટકા રોજગારીની જોગવાઈનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે અને જે ઉદ્યોગો આ જોગવાઈનું ઉલંઘન કરે તેઓ સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે
ગાંધીનગર
અદાણી ગ્રુપની કંપનીઓમાં સ્થાનિકોને ૮૫ ટકા રોજગારીની જોગવાઈ અંગે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉપનેતા અને ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નના જવાબમાં ભાજપ સરકારની યુવાનોને અન્યાય કરતી નીતિ ખુલ્લી પડી ગઈ છે.
કચ્છ જીલ્લામાં અદાણી ગ્રુપની કંપનીઓમાં સ્થાનિકોને ૮૫ ટકા રોજગારી પૂરી પાડવામાં આવે છે કે નહિ તે અંગે છેલ્લા બે વર્ષમાં ક્યારે તપાસ કરવામાં આવી તેવા કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં શ્રમ કૌશલ વિભાગ અને રોજગાર મંત્રી જણાવ્યું કે શ્રમ અને રોજગાર વિભાગના તા. ૩૧/૦૩/૧૯૯૫ના ઠરાવમાં સ્થાનિકોને ૮૫ ટકા રોજગારી અંગે દર છ માસે સ્થાનિક રોજગારીની માહિતી એકત્ર કરવામાં આવે છે. જવાબમાં એ સ્પષ્ટ સામે આવે છે કે અદાણી પાવર લીમીટેડ કંપની તા. મુન્દ્રામાં સ્થાનિકોની નિયત ટકાવારી જળવાતી નથી. સ્થાનિક ૮૫ ટકા રોજગારીની ટકાવારી ન જાળવતા માત્ર પત્ર પાઠવીને ગુજરાત સરકારે દેખાવ કર્યો છે. ૮૫ ટકા સ્થાનિક રોજગારીના નિયમની જોગવાઈ સામે માત્ર બેઠક યોજીને સંતોષ માનવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી ?
રાજમાં સ્થાનિકોને ૮૫ ટકા રોજગારીની જોગવાઈના કડક પાલનની માંગ કરતા કરતા ધારાસભ્ય શ્રી શૈલેષ પરમારે જણાવ્યું હતું કે જે તે વિભાગના વિકાસમાં સ્થાનિકોને રોજગારી મળે તો સ્થળાંતર સહિતના અનેક પ્રશ્નો ઉભા થતા નથી. સ્થાનિક રોજગારીથી જે તે વિસ્તારના આર્થિક સંતુલિત વિકાસમાં મહત્વનું યોગદાન રહે છે. ગુજરાત સરકાર જયારે ઉદ્યોગપતિઓ – ઉદ્યોગગૃહોને છુટા હાથે કરોડો રૂપિયાની લ્હાણી કરે છે ત્યારે સ્થાનિકોને ૮૫ ટકા રોજગારીની જોગવાઈનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે અને જે ઉદ્યોગો આ જોગવાઈનું ઉલંઘન કરે તેઓ સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે.