કુલ્લુ
હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં ફેરફારને કારણે કેટલીક જગ્યાએ હિમવર્ષા તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો છે. કુલ્લુ મનાલીમાં કુદરતે એવું રૂપ બતાવ્યું છે કે રુંવાટા ઊભા થઈ જાય. કુલ્લુમાં ભારે વરસાદને કારણે સરવરી નાળુ ઓવરફ્લો થવાને કારણે અનેક વાહનો તણાઈ ગયા હતા. એટલું જ નહીં, કુલ્લુના ગાંધી નગરમાં જ પૂરની સાથે ધસી આવેલ કાદવ અને કાટમાળમાં વાહનો દટાઈ ગયા. સરવરી નાળામાં વહેતા પાણીમાં ભારે ઉછાળો આવ્યો છે. નદીના પાણી બાજુની ઝૂંપડપટ્ટીમાં પ્રવેશ્યા છે. આ ઉપરાંત ધાલપુરમાં હોટલ સરવરી પાછળની દિવાલ તુટવાને કારણે તમામ પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે. અખાડા બજારમાં પણ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા, જેના કારણે લોકોના ઘરોમાં રાખેલો સામાન બગડી ગયો હતો. વરસાદને કારણે અનેક રસ્તાઓ પર ભૂસ્ખલન પણ થયું છે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએ વૃક્ષો પડવાને કારણે ઈલેક્ટ્રીક વાયર પણ તૂટી ગયા છે. બંજર, મણિકરણ, ગડસા સહિત મનાલીના અનેક ગામો અંધકારમાં ડૂબી ગયા છે.