ગાંધીનગર
ગાંધીનગરના સરગાસણમાં સ્થિત અટ્રિયા બિઝનેસ હબમાં એક મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. પ્રાજસ્વ ફાઉન્ડેશન એન્ડ એકેડેમીના કર્મચારીએ 58 વિદ્યાર્થીઓ પાસેથી 20.80 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. સંસ્થાના માલિક મલ્હાર રાજેશભાઈ ભટ્ટે 2019થી આ સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કેન્દ્ર શરૂ કર્યું હતું. તેમણે ગત વર્ષે 15 જૂન 2023થી ભૌમિક શૈલેષભાઈ સુથારને માસિક 20 હજાર રૂપિયાના પગારે કાઉન્સેલર તરીકે નિયુક્ત કર્યા હતા. ભૌમિકને વિદ્યાર્થીઓના એડમિશન, ફી વસૂલાત અને ડિસ્કાઉન્ટ આપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે એકાઉન્ટન્ટ કનુભાઈને ફી જમા થયાની ખોટી માહિતી આપતો હતો. ડિસેમ્બર 2024માં જ્યારે સ્ટાફ મેમ્બર ફહેરીનબેને બાકી ફી માટે વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો, ત્યારે કૌભાંડ બહાર આવ્યું. તપાસમાં જાણવા મળ્યું કે ભૌમિકે વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અને રોકડ સ્વરૂપે ફી વસૂલી હતી. તેણે ખોટી રસીદો બનાવી એકાઉન્ટન્ટને આપી હતી. આ મામલે સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.