ગાંધીનગર
સરઢવ ગામના પાટીયાથી આદરજ તરફ જતા રોડ ઉપર સિક્યુરીટી ગાર્ડ બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન એકા એક અજાણ્યો યુવક બાઇક વચ્ચે આવી ગયો હતો. જેથી તેને ઠપકો આપવામાં આવતા યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને બાઇક ચાલક ઉપર છરીથી હુમલો કરી દીધો હતો. જેથી આધેડને પેટના ભાગે ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો.
આશરે 56 વર્ષીય ભરતજી ગાંડાજી ઠાકોર (રહે, મોખાસણ) સેક્ટર 8 ખાતે આવેલી પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ત્યારે બે દિવસ પહેલા રાતના સમયે નોકરી કરવા પોતાના ઘરેથી બાઇક નંબર જીજે 18 સીએલ 4272 લઇને આવી રહ્યા હતા. તે દરમિયાન સરઢવ પાટીયાથી આદરજ તરફ જતા રોડ ઉપર અડધી રાતે આધેડ આગળ વધી રહ્યા હતા. તે સમયે અચાનક અજાણ્યો યુવક બાઇક વચ્ચે આવી ગયો હતો. જેથી બાઇક ચાલકે યુવકને બચાવવા માટે જોરદાર બ્રેક મારી હતી. જેમાં અકસ્માત થતા બચી ગયો હતો.
જાન બચી તો લાખો પાયે,ની જેમ અકસ્માત થતા બચી ગયેલા આધેડને યુવકને ઠપકો આપ્યો હતો. જેથી એકા એક યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને તેની પાસે રહેલી છરી પેટના ભાગે મારી દીધી હતી અને બાદમાં છરી રોડ સાઇડમાં ફેંકી ભાગી ગયો હતો. આધેડએ આરોપીને પકડવા દોડ લગાવી હતી, પરંતુ ઇજાના કારણે પીછો કરી શક્યા ન હતા. ત્યારબાદ આધેડે તેમના મિત્રને ફોન કરી જાણ કરતા ગામમાં આવેલી હોસ્પિટલમાં લઇ ગયા પછી ગાંધીનગર સિવિલમાં લઇ ગયા હતા.