ફી વધારા મુદ્દે NSUI-પોલીસ વચ્ચે ઝપાઝપી, કુલપતિની ઓફિસમાં સૂત્રોચ્ચાર કરવા લાગ્યા એ દરમિયાન કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી

Spread the love

અમદાવાદ

ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે જેને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકર્તા ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં કુલપતિની ઓફિસ બહાર જાળી તોડીને અંદર જઈને કુલપતિની ઓફિસમાં બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. એ દરમિયાન વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. જોકે આગામી દિવસમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ B.COMથી લઈ PHDના કોર્સમાં 1800 રૂપિયાથી લઈ 5500 રૂપિયા સુધીનો ફી વધારો કરવામાં આવ્યો છે. આ ફી વધારો નવા શૈક્ષણિક સત્રથી લાગુ કરવામાં આવશે. ફી વધારાને લઈને NSUI દ્વારા ગત અઠવાડિયે વિરોધ કરવામાં આવ્યો હતો અને ફી વધારો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. જો ફી વધારો પરત ના ખેંચાય તો યુનિવર્સિટીનો ઘેરાવ અને આગામી દિવસોમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.
NSUIના કાર્યકરોએ મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને વિરોધ કર્યો હતો. NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી ટાવરમાં જઈને ધમપછાડા કરીને કુલપતિના ચેમ્બરની જાળી તોડી નાખી હતી. કાર્યકરોએ કુલપતિની ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. કાર્યકરોએ કુલપતિ સામે જ તેમની ઓફિસમાં બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસ દ્વારા NSUIના કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફી વધારો થવાથી વિદ્યાર્થીઓ પર સીધી અસર પડી રહી છે જેથી ગુજરાત યુનિવર્સિટી ફી વધારો પરત ખેંચે તેવી અમારી માગ છે. જો ફી વધારો પરત ન ખેંચાય તો NSUI દ્વારા કુલપતિના ઘરનો ઘેરાવ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *