રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે પંચમહાલના ગોધરામાં જૂની ઈમારતમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિંગલ ફળિયા રોડ પર હોટલ રોયલ નજીક આગ લાગી હોવાની ઘટના બની છે. 10થી વધુ મકાન અને દુકાનો આગની ઝપેટમાં આવી હતી. બિલ્ડિગમાં રહેતા ચાર પરિવારને સલામત સ્થળે ખસેડાયા હતા. ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. બિલ્ડિંગની નીચેના ભાગમાં આવેલી ઓઈલની દુકાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ત્યારબાદ જોત-જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જો કે હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જો કે સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે.