વોશિંગ્ટન
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર રાજકીય વર્તુળોમાં ગરમી લાવી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ’ પર એક રહસ્યમય પોસ્ટ મૂકીને તેમણે દાવો કર્યો છે કે “આવતીકાલની રાત ઘણી મોટી થવાની છે.” ટ્રમ્પના આ ટ્વીટથી દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે તેઓ કયો મોટો ધડાકો કરવાના છે. ટ્રમ્પની આ પોસ્ટ બાદ અનેક અટકળો વહેતી થઈ છે. શું તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કોઈ મહત્વપૂર્ણ મુલાકાતની જાહેરાત કરશે? કે પછી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તાજેતરમાં થયેલી તકરાર બાદ કોઈ મોટો બદલો લેશે? લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પોસ્ટના થોડા સમય પહેલાં જ ટ્રમ્પે ઝેલેન્સ્કીનો ઉલ્લેખ કરતી એક અન્ય પોસ્ટ પણ કરી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જેમણે રશિયાને યુક્રેનની જમીનનો એક ટુકડો પણ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન ‘ઓવલ ઓફિસ’માં મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. માનવામાં આવે છે કે ઝેલેન્સ્કી દ્વારા કોઈ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કરવાથી ટ્રમ્પ નારાજ થયા હતા. ઝેલેન્સ્કીએ પુતિનની ટીકા પણ કરી હતી.
ઝેલેન્સ્કી સાથેની મુલાકાત બાદ ટ્રમ્પની આ રહસ્યમય પોસ્ટ અનેક સંકેતો આપી રહી છે. જો કે, ટ્રમ્પ ખરેખર શું જાહેરાત કરવાના છે, તે તો આવતીકાલની રાત જ ખબર પડશે. પરંતુ તેમના આ ટ્વીટથી રાજકીય પંડિતો અને દુનિયાભરના નેતાઓની નજર તેમના પર મંડાઈ છે. દરમિયાન, યુક્રેનને ઘણા દેશોનું સમર્થન મળી રહ્યું છે. બ્રિટિશ વડાપ્રધાન સ્ટ્રોમરે પણ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરીને યુક્રેનને બ્રિટનનું અડગ સમર્થન હોવાનું જણાવ્યું હતું. લંડનમાં થયેલી મુલાકાતમાં સ્ટ્રોમરે ઝેલેન્સ્કીને ખાતરી આપી હતી કે બ્રિટન યુક્રેન સાથે યુદ્ધમાં અંત સુધી ઊભું રહેશે. ઝેલેન્સ્કીએ પણ બ્રિટન અને બ્રિટિશ લોકોનો તેમના સમર્થન બદલ આભાર માન્યો હતો.