વોશિંગ્ટન
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરથી વિશ્વસ્તરે ભૌગોલિક-આર્થિક ટેન્શન સર્જાયુ જ છે ત્યારે વધુ એક મોટુ સંકટ સર્જાવાના ભણકારા વાગવા લાગ્યા છે. અમેરિકાએ ચીનનુ સોનુ પરત આપવાનો ઈન્કાર કરતા ચીને વળતી કાર્યવાહી શરૂ કરી હોય તેમ અમેરિકી ટ્રેઝરી બેન્ડ વેચવાનું શરૂ કરી દીધુ છે. વિશ્વસ્તરે ઘણા ગંભીર પ્રત્યાઘાતો પડવાની અટકળો વ્યક્ત થવા લાગી છે. ચીને ખરીદેલુ સેંકડો-હજારો ટન સોનુ અમેરિકાના વોલ્ટમાં સ્ટોર કરવામાં આવ્યુ છે. ચીને આ સોનુ પરત માંગતા અમેરિકાએ ‘રાષ્ટ્રીય સુરક્ષા’નું કારણ દર્શાવીને સોનુ પરત કરવાનો ઈન્કાર કર્યો છે. અમેરિકાના આ કૃત્યથી ધુંધવાયેલા ચીન દ્વારા અમેરિકી હિતોને નુકશાન કરવાના ઈરાદે અમેરિકી ટ્રેઝરી બોન્ડ ફુંકી મારવાની કાર્યવાહી કરી છે જેનાથી કરન્સી માર્કેટમાં પ્રત્યાઘાતો પડયા છે. જાણકારોના કહેવા પ્રમાણે ચીને બોન્ડ વેચવાનું શરૂ કરતા અમેરિકાની આર્થિક સ્થિરતા પર દબાણ ઉભુ થઈ શકે છે એટલું જ નહી વૈશ્વિક આર્થિક કટોકટી અથવા તો નવુ કોલ્ડવોર પણ ઉભુ થઈ શકે છે. અમેરિકાએ મેકસીકો-કેનેડા તથા ચીન પર ટેરિફ લાગુ કરી જ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પણ જાહેરમાં તડાફડી બોલાવી હતી. તેવા વૈશ્વિક પ્રત્યાઘાતો ચાલુ જ છે ત્યાં આ નવા ઘટનાક્રમથી નવુ સંકટ ઉભુ થવાના ભણકારા છે.