વોશિંગ્ટન ડીસી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે પોતાનો અસલી રંગ બતાવી દીધો છે. મોદીને અમેરિકા બોલાવીને ટેરિફની વાતનો છેદ ઊડાડી દીધો હતો અને હવે ભારત પર ‘જેવા સાથે તેવા’ની નીતિથી 100% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. 2 એપ્રિલથી અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ભારતે 100% ટેરિફ આપવો પડશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સમય મુજબ બુધવારે સવારે અમેરિકાની કોંગ્રેસ (ત્યાંની સંસદ)માં 1 કલાક 44 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં ટ્રમ્પે પાકિસ્તાનની સરકારનો આભાર માન્યો. એ એટલા માટે કે અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈનિકોની હત્યા થઈ હતી અને તેનો માસ્ટર માઈન્ડ પાકિસ્તાનમાં પકડ્યો છે. પાકિસ્તાન આ માસ્ટર માઈન્ડને અમેરિકાને સોંપવાનું છે. ટ્રમ્પની નજરમાં પાકિસ્તાન સારું બની ગયું તે બાબત પણ ભારત માટે ચિંતાનો વિષય છે.
1. ટિટ ફોર ટેટ ટેરિફ: ટિટ ફોર ટેટ ટેરિફ ૨ એપ્રિલથી લાગુ કરવામાં આવશે. અન્ય દેશો આપણા પર ભારે ટેરિફ અને કર લાદે છે, હવે આપણો વારો છે. જો કોઈ કંપની અમેરિકામાં પ્રોડક્ટ્સ બનાવી રહી નથી તો તેમણે ટેરિફ ચૂકવવો પડશે.
2. યુક્રેન યુદ્ધ: ઝેલેન્સ્કી યુક્રેન યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માટે વાટાઘાટો માટે આવવા તૈયાર છે. અમે રશિયા સાથે ગંભીર વાતચીત કરી છે. અમને મોસ્કો તરફથી મજબૂત સંકેતો મળ્યા છે કે તેઓ શાંતિ માટે તૈયાર છે.
3. ઇમિગ્રેશન મુદ્દો: છેલ્લાં ચાર વર્ષમાં 21 મિલિયન લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા છે. અમારી સરકારે અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી સરહદ અને ઇમિગ્રેશન કાર્યવાહી શરૂ કરી છે.
4. જો બાઇડન: બાઇડન અમેરિકન ઇતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ છે. તેમના કાર્યકાળ દરમિયાન દર મહિને લાખો ગેરકાયદેસર લોકો દેશમાં પ્રવેશતા હતા. તેમની નીતિઓને કારણે દેશમાં મોંઘવારી વધી.
5. ગોલ્ડ કાર્ડ વિઝા: અમે ગોલ્ડ કાર્ડ વિઝા સિસ્ટમ રજૂ કરવા જઈ રહ્યા છીએ. તે ગ્રીન કાર્ડ જેવું છે પરંતુ તેનાથી થોડું એડવાન્સ છે. આનાથી મોટી સંખ્યામાં નોકરીઓનું સર્જન થશે અને કંપનીઓને ફાયદો થશે.
6. પનામા કેનાલ અને ગ્રીનલેન્ડ: આપણે કોઈક રીતે પનામા કેનાલ પર નિયંત્રણ મેળવીશું. આ સાથે, અમે ગ્રીનલેન્ડને કોઈ ને કોઈ રીતે આપણા ક્ષેત્રમાં સામેલ કરીશું. અમે ત્યાંના લોકોનું રક્ષણ કરીશું.
7. WHO અને માનવ અધિકારો: અમેરિકાને ‘નકામી’ પેરિસ જલવાયુ કરાર, ‘ભ્રષ્ટ’ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO) અને ‘અમેરિકા વિરોધી’ UN હ્યુમન રાઇટ્સ કમિશનની જરૂર નથી. તેમાંથી બહાર આવીશું.
8. વાણી સ્વાતંત્ર્ય: અમે તમામ સરકારી સેન્સરશિપનો અંત લાવ્યા છીએ અને અમેરિકામાં વાણી સ્વાતંત્ર્ય પાછું લાવ્યા છીએ. અમે સરકારી મશીનરીનો નાશ કર્યો છે જેનો ઉપયોગ હથિયાર તરીકે થતો હતો.
9. તેલ અને ગેસ: અમેરિકા પાસે વિશ્વના અન્ય કોઈપણ દેશ કરતાં વધુ ‘લિક્વિડ ગોલ્ડ’ (તેલ અને ગેસ) છે. અમે અલાસ્કામાં એક વિશાળ કુદરતી ગેસ પાઇપલાઇન બનાવવા જઈ રહ્યા છીએ. ઘણા દેશો આમાં અબજો રૂપિયાનું રોકાણ કરવા માગે છે.
10. સ્પેસ પ્રોગ્રામ: આપણે વિજ્ઞાનમાં નવી સીમાઓ આગળ વધારીશું, મનુષ્યોને અવકાશમાં મોકલીશું અને મંગળ પર અમેરિકન ધ્વજ ફરકાવીશું. આપણે દુનિયાએ ક્યારેય ન જોઈ હોય તેવી સૌથી અદ્યતન અને શક્તિશાળી સભ્યતાનું નિર્માણ કરીશું.